બર્મિંગહામ- લીડ્ઝ વાયા લેસ્ટરશાયરનો HS2 પ્રોજેક્ટ આખરે પડતો મૂકાયો

Wednesday 25th August 2021 04:44 EDT
 
 

લંડનઃ સરકારે બર્મિંગહામથી લેસ્ટરશાયર થઈને લીડ્ઝ સુધીના HS2  (હાઈ સ્પીડ ૨) રેલવે એક્સ્ટેન્શન પ્રોજેક્ટને પડતો મૂક્યો છે. આ સાથે મલ્ટિ બિલિયન પાઉન્ડ પ્રોજેક્ટની પૂર્વીય શાખાનો અંત આવી ગયો જણાય છે. જંગી ખર્ચના કારણે બર્મિંગહામને નોટિંગહામ, શેફિલ્ડ અને લેસ્ટરશાયરના નોર્થ વેસ્ટ વિસ્તારમાં થઈ લીડ્ઝને સાંકળવાનો પ્રોજેક્ટ રદ કરવો પડ્યો હોવાનું કહેવાય છે.

સૌપહેલા બર્મિંગહામથી લેસ્ટરશાયર થઈને લીડ્ઝ સુધીના HS2 રેલવે એક્સ્ટેન્શન માટે ૨૦૧૨માં આ પ્રોજેક્ટ પાછળ ૩૨.૭ બિલિયન પાઉન્ડનો ખર્ચ થવાનો અંદાજ મૂકાયો હતો જે હવે સાતમા આસમાને પહોંચી ૧૦૭.૭ બિલિયન પાઉન્ડનો થવાનો અંદાજ છે. એક સૂત્રે જણાવ્યું હતું કે આપણી જિંદગીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનું સ્વપ્ન સાકાર થવાનું નથી.

આખા દેશમાં HS2 રેલવે પ્રોજેક્ટ બંધ કરવાની યોજના નથી પરંતુ, ૩૦ કિલોમીટરના સેક્શન સાથે લેસ્ટરશાયરને તેનાથી ભારે ફરક પડ્યો હોત. HS2થી માત્ર લેસ્ટરશાયરને જ ૩૦ મિલિયન પાઉન્ડની પર્યાવરણીય અસરો સહન કરવી પડી હોત. આ પ્રોજેક્ટમાં વ્યાપક પ્રમાણમાં જમીનના ખોદકામ, અનેક નાળાં, A42 અને અન્ય રોડ્સના લેવલિંગ સરખા કરવા, કેસલ ડોનિંગ્ટન ખાતે ઈસ્ટ મિડલેન્ડ્સ એરપોર્ટની નીચે ટનલ ખોદવાનો પણ સમાવેશ થતો હતો.

લેસ્ટરશાયર કાઉન્ટીના રિપોર્ટમાં અગાઉ ભારપૂર્વક કહેવાયું હતું કે HS2 લાઈનના બાંધકામથી તે વિસ્તારને ૩૦ મિલિયન પાઉન્ડ જેટલો લાભ થયો હોત. જોકે, ટ્રેઝરી વડાઓએ ૨૦૩૩માં ખુલ્લા મૂકાનારા આ પ્રોજેક્ટને બંધ કરવાથી સરકારને ૪૦ બિલિયન પાઉન્ડની બચત થશે તેમ જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter