બર્મિંગહામ લેબર પાર્ટીમાં વંશીય ભેદભાવ ચરમસીમા પર પહોંચ્યાનો આરોપ

લઘુમતી વંશીય નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાતા હોવાનો દાવો

Wednesday 16th November 2022 05:05 EST
 
 

લંડન

લેબર પાર્ટીની સૌથી મોટી સ્થાનિક શાખાઓ પૈકીની એકમાં વંશીય પક્ષપાતનું વાવાઝોડું ફૂંકાયું છે. બર્મિંગહામ સિટી કાઉન્સિલના લઘુમતી વંશીય કાઉન્સિલરોનો આરોપ છે કે તેમને પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવાનું ઝેરી કલ્ચર તૈયાર કરાયું છે. લેબર ગ્રુપના નેતાઓ પર આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે તેઓ વંશીય ભેદભાવ અને પક્ષપાતને ગંભીરતાથી લેતાં નથી. અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયના કાઉન્સિલરો અને નેતાઓને પાર્ટીમાં મહત્વની ભુમિકા આપવામાં આવતી નથી. આ અંગે ઘણી ફરિયાદો કરવામાં આવી છે. ઘણા સીનિયર લેબર નેતાઓ વંશીય ટિપ્પણીઓ સામે આંખ આડા કાન કરે છે. એક કાઉન્સિલરે જણાવ્યું હતું કે, મને થયેલા અનુભવે મને એમ લાગે છે કે પાર્ટીમાં મારું કોઇ સ્થાન નથી.

નામ નહીં આપવાની શરતે બર્મિંગહામ લેબર પાર્ટીના એક સૂત્રે જણાવ્યું હતું કે, આ રિપોર્ટ વાંચીને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં. મને એમ લાગી રહ્યું છે કે આ મારું શહેર અને મારી પાર્ટી નથી. દુર્ભાગ્યે આ બધું બની રહ્યું છે. જો આ સરવે ગુપ્ત ન રખાયો હોત તો તે પુરો થઇ શક્યો ન હોત કારણ કે ઘણા લોકો ભયભીત છે. પાર્ટીમાંના લોકોને આઘાત લાગ્યો છે પરંતુ તેનાથી આશ્ચર્ય થયું નથી કારણ કે તેઓ બધા આ અંગે જાણે છે.

સરવેમાં ભાગ લેનારા કાઉન્સિલરોએ એવો પણ આરોપ મૂક્યો છે કે પાર્ટીમાં જ વંશીય ભેદભાવ છે એવું નહીં પરંતુ વંશીય લઘુમતી વિસ્તારોની સાથે ઓરમાયુ વર્તન કરાય છે. તેમની જાણીજોઇને અવગણના કરવામાં આવે છે. એક કાઉન્સિલરે દાવો કર્યો હતો કે એશિયન વસતી ધરાવતા વિસ્તારોને અન્ય વિસ્તારોની સરખામણીમાં પુરતા સ્ત્રોત ઉપલબ્ધ કરાવાતા નથી. આ વિસ્તારોની સડકો પર પુરતી સફાઇ પણ કરાતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter