લંડનઃ બર્મિંગહામ સિટી કાઉન્સિલે પોતાને બેન્કરપ્ટ જાહેર કરી છે. કચરો એકઠો કરવાથી માંડીને શેરીઓની સફાઇ, શાળાઓના સંચાલનથી માંડીને એડલ્ટ સોશિયલ કેર સુધીની સેવાઓ માટે આ કાઉન્સિલ પ્રતિ વર્ષ 3.2 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે.
લેબર પાર્ટી દ્વારા શાસિત બર્મિંગહામ સિટી કાઉન્સિલે સેક્શન 114 અંતર્ગત નોટિસ જારી કરી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં જ્યારે કોઇ કાઉન્સિલ પાસે તેના બજેટ માટે સ્ત્રોતો ખૂટી પડે છે ત્યારે તે આ સેક્શનનો ઉપયોગ કરે છે. આમ તો આ સ્થિતિને નાદારી જ કહી શકાય પરંતુ યુકેમાં કોઇ લોકલ ઓથોરિટી માટે પોતાને નાદાર જાહેર કરવાની કાયદામાં કોઇ પ્રક્રિયા નથી અને આજ સુધી કોઇ કાઉન્સિલ નાદાર જાહેર થઇ પણ નથી. જોકે આવી સ્થિતિમાં કાઉન્સિલરો દ્વારા 21 દિવસમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવે છે અને તે કેન્દ્ર સરકારને કાઉન્સિલની કંગાળ સ્થિતિ અંગે સંકેત આપે છે.
સાડા સાતસો મિલિયન પાઉન્ડની સમાન પે જવાબદારીઓ એકત્ર થઈ જવાને કારણે આ વિકટ નાણાંકીય સ્થિતિ સર્જાઈ છે. 2012માં ઓથોરિટી સામે કર્મચારીઓએ કરેલા સમાન વેતનના કેસમાં સુપ્રીમ કોર્ટે 174 કર્મચારીઓની તરફેણમાં ચૂકાદો આપતાં બર્મિંગહામ કાઉન્સિલે અત્યાર સુધીમાં લગભગ 1.1 અબજ પાઉન્ડ ચૂકવ્યા છે. શિક્ષણ સહાયિકાઓ, સફાઇ કર્મચારી અને કેટરિંગ સ્ટાફ તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત કુલ 174 કર્મચારીઓએ સમાન વેતન માટે કેસ કર્યો હતો. સામાન્ય રીતે રેફ્યુઝ કલેકટર્સ અને શેરીમાં કચરો વાળવાનું કામ કરતાં પરંપરાગત પુરુષ આધિપત્યના કામો માટે ચૂકવવામાં આવતાં બોનસ અમને શા માટે ચૂકવાતાં નથી તેમ જણાવી કર્મચારીઓ દ્વારા આ કેસ કરવામાં આવ્યો હતો. જે તેઓ જીતી જતાં તેમને મોટી રકમ ચૂકવવાની આવી હતી.
તાજેતરના વર્ષોમાં આવી નોંધપાત્ર ઘટનાઓ સામે આવી છે. જૂન મહિનામાં સરે કાઉન્સિલે 1.2 બિલિયન પાઉન્ડની ખાધનો સામનો કરી રહી હોવાનું સ્વીકાર્યું હતું. થર્રોક, સ્લોઘ, ક્રોયડોન અને નોર્ધમ્પ્ટનશાયર કાઉન્સિલ પણ આવી સ્થિતિનો સામનો કરી ચૂકી છે.
બર્મિંગહાલની ખસ્તાહાલ સ્થિતિ માટે લેબર પાર્ટી જવાબદારઃ સુનાક
બર્મિંગહામ કાઉન્સિલની ખસ્તાહાલ સ્થિતિ માટે વડાપ્રધાન રિશી સુનાકે કાઉન્સિલના લેબર વહીવટને જવાબદાર ગણાવ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં એક સવાલનો જવાબ આપતા સુનાકે જણાવ્યું હતું કે, આપણે જોઇ રહ્યાં છીએ કે કેવી રીતે લંડનમાં લેબર સત્તાવાળાઓ મહેનતુ લોકો પાસેથી ઉલેઝની ફી વસૂલી રહ્યાં છે અને હવે આપણે એ સાંભળી રહ્યાં છીએ કે બર્મિંગહામના લેબર સત્તાવાળા મહેનતુ લોકોની અપેક્ષાઓ સંતોષવામાં નિષ્ફળ ગયાં છે અને કરદાતાઓના નાણા પર નિયંત્રણ ગુમાવી બેઠાં છે જેના કારણે કાઉન્સિલની તિજોરી ખાલી થઇ ગઇ છે. તેમણે બર્મિંગહામને નાદાર બનાવી દીધું છે.

