લંડનઃ બર્મિંગહામમાં એક ક્વાડ બાઇક સવાર પર થયેલા ઘાતકી અને હિંસક હુમલાનો મુખ્ય શંકાસ્પદ આરોપી લગભગ એક વર્ષ થવા છતાં હજુ પણ પોલીસ પકડથી દૂર છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે શંકાસ્પદ આરોપી જાફિર નાઝિરને પકડવા માટે અનેક અપીલ જાહેર કરી છે, તેમજ તેને ઝડપી પાડવા માટે 5,000 પાઉન્ડનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સ્મોલ હીથના મોનિકા રોડ પર બની હતી. સાંજે આશરે 6 વાગ્યે ક્વાડ બાઇક પર જઈ રહેલા એક વ્યક્તિને રસ્તા પર આંતરીને નીચે પાડી દેવામાં આવ્યો હતો અને તેના માથાના ભાગે ફ્લિક નાઇફ વડે ઉપરાઉપરી અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ કેસમાં સામેલ અન્ય એક આરોપી ટેલર બર્ન્સને સાડા છ વર્ષની જેલની સજા સંભળાવી દીધી છે.


