ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને £૬૦૦માં બનાવટી IDના વેચાણનો પર્દાફાશ

Saturday 19th November 2016 04:43 EST
 
 

બર્મિંગહામઃ યુકેમાં રહેવા કે અભ્યાસ કરવા માટે હોમ ઓફિસ દ્વારા અપાતી બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ્સના બનાવટી ઓળખપત્રોનું ગેરકાયદે ઈમિગ્રન્ટસને ૬૦૦ પાઉન્ડમાં વેચાણ કરાવાનો પર્દાફાશ થયો છે. ચેનલ ફાઈવ ટીવી ડોક્યુમેન્ટરી માટે અન્ડરકવર સ્ટિંગ ઓપરેશનમાં બર્મિંગહામના ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને બનાવટી આઈડી કાર્ડ્સનું વેચાણ કરતી આદિલ નામે ઓળખાતી વ્યક્તિને ઝડપી લેવાઈ હતી. ઠગારા આદિલે આ કામગીરીથી હજારો પાઉન્ડ બનાવ્યા હોવાનું મનાય છે.

માત્ર હોમ ઓફિસ દ્વારા જારી કરાતી બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ્સમાં માઈગ્રન્ટના નામ, જન્મની તારીખ અને સ્થળ, ફોટોગ્રાફ, ફિંગરપ્રિન્ટ્સ અને યુકેમાં તેના સ્ટેટસનો ઉલ્લેખ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ યુકેમાં વસવાટ, કામકાજ કે અભ્યાસ કરી શકે છે. બેન્ક એકાઉન્ટ ખોલવા, બેનિફિટ્સ અથવા કામકાજ માટે અરજી કરવા અથવા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મેળવવા આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

બર્મિંગહામ સિટી સેન્ટરમાં નાની ઓફિસ ધરાવતો આદિલ બડાશ હાંકે છે કે તે ટોપ ક્વોલિટીના બનાવટી આઈડી કાર્ડ્સ બનાવી શકે છે. તેણે ચેનલ ફાઈવ ટીવી ડોક્યુમેન્ટરી ‘Undercover Criminal: The Great British Fake Off’ના અન્ડરકવર રિપોર્ટર પોલ કોનોલીમા સાગરિત સમક્ષ દાવો કર્યો હતો કે આખા દેશમાંથી માણસો તેની પાસે ધંધા માટે આવે છે, જેના માટે તે સેંકડો પાઉન્ડ ચાર્જ કરે છે. કોનોલીના સાગરિતે તેને કહેવાતા ગેરકાયદે ઈમિગ્રન્ટની ઓળખના બનાવટી આઈડી માટેના સ્ટિંગ ઓપરેશનમાં ૪૬૦ પાઉન્ડ રોકડા ચુકવ્યા હતા.

કોનોલીએ આદિલને સ્ટિંગ ઓપરેશનની વાત કરી હતી. જે માણસને તેણે બનાવટી આઈ કાર્ડ આપ્યાં તે ખામીર ખુદ અન્ડરકવર ઈન્વેસ્ટિગેટર હોવાનું જણાવી તેની સાથેની વાતચીત અને નાણાની ચુકવણી રેકોર્ડ કરાઈ હોવાનું જણાવતા જ આદિલ ફરી ગયો હતો. તેણે કહ્યું હતું કે આવું કશું જ નથી અને તેણે કશું ખોટું કર્યું નથી.

બ્રિટનની ઈમિગ્રેશન નીતિ વિશે વિવાદ સર્જાયો છે. તાજેતરની ભારત મુલાકાતમાં જ વડા પ્રધાન થેરેસા મેએ કહ્યું હતું કે ભારત વિઝાની મુદત પછી પણ માત્ર બાયોમેટ્રિક ડેટાના આધારે યુકેમાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત લેશે તો બદલામાં ફી ઘટાડવા સહિતની વિઝા પ્રક્રિયામાં ફેરફાર કરવાની યુકેની તૈયારી છે. જોકે, બ્રિટિશ સરકારી અધિકારીઓ કહે છે કે વિઝા મેળવવા આવશ્યક ધોરણોમાં ફેરફાર અથવા વધુ લોકોને પ્રવેશ આપવાની ખાતરી નહિ જ અપાય.

બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ શું છે?

તમને હોમ ઓફિસ દ્વારા બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ (BRP) આપવામાં આવે છે.

- જો તમે છ મહિના કરતા વધુ સમય માટે બ્રિટન આવવાની અરજી કરો

- જો તમે છ મહિના કરતા વધુ સમય માટે વિઝા લંબાવો

- જો તમે યુકેમાં વસવાટની અરજી કરો

- જો તમારા વિઝાને નવા પાસપોર્ટમાં ટ્રાન્સફર કરવાના હોય

- જો હોમ ઓફિસના ચોક્કસ ટ્રાવેલ દસ્તાવેજો માટે અરજી કરો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter