બર્મિંગહામ પબ બોમ્બ હુમલામાં પબ્લિક ઈન્ક્વાયરીની વિચારણા

Tuesday 27th October 2020 13:25 EDT
 
 

લંડનઃ ૧૯૭૪ના બર્મિંગહામ પબ બોમ્બિંગ્સમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પબ્લિક ઈન્ક્વાયરી વિશે વિચારી રહ્યા હોવાનું ૧૯ ઓક્ટોબરે જાણવા મળ્યું હતું. બર્મિંગહામ મેલ મુજબ સિટી સેન્ટરમાં આવેલા બે ભરચક બારમાં IRAના ત્રાસવાદીઓ દ્વારા હુમલામાં માર્યા ગયેલા ૨૧ લોકોના પરિવારજનોને મળવા માટે પ્રીતિ પટેલ સંમત થયા છે. Justice4the21ના લાંબા સમયથી સમર્થક રહેલા વેસ્ટ મીડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટ સાથેની બેઠક પછી પ્રીતિ પટેલ આ મુદ્દે વિચારી રહ્યા હોવાનું મનાય છે.

હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ૪૬ વર્ષ અગાઉ બનેલી આ દુઃખદ ઘટનાથી અસર પામેલા સૌ પ્રત્યે તેમને સહાનુભૂતિ છે. આ ઘટના માટે જવાબદારને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે તેવી પીડિતોના પરિવારો અને સમાજની જે ઈચ્છા છે તેને તેઓ જાણે છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર સલાહ સાથે કેટલાંક પરિવારોના મંતવ્યો જાણી શકે તે માટે તેમને મળવા માગે છે.

આ વિવાદાસ્પદ ઐતિહાસિક પબ બોમ્બિંગ્સ માટે ૨૦૧૯માં ઈન્ક્વેસ્ટ યોજાયા પછી તેની ઈન્ડિપેન્ડન્ટ પબ્લિક ઈન્ક્વાયરીની માગ વધી હતી. કેટલાંક કથિત બોમ્બરોના નામ બહાર આવ્યા હોવા છતાં આ ઘટના માટે કોણ જવાબદાર હતું તે મહત્ત્વના મુદ્દાને કોરોનરે બાકાત રાખ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter