બ્રિટિશ ભારતીય હોટેલમાલિક રણજિતસિંહની ભારતમાં હત્યા

Tuesday 02nd June 2015 05:23 EDT
 
 

બર્મિંગહામ, જલંધરઃ ભારતની બિઝનેસ મુલાકાતે ગયેલા બ્રિટિશ ભારતીય બિઝનેસમેન અને રામાદા પાર્ક હોલ હોટેલના માલિક રણજિતસિંહ પોવારની હત્યા સંબંધે ટેક્સી ડ્રાઈવર સુખદેવસિંહની ભારતની પંજાબ પોલીસે ધરપકડ કરી હતી. વુલ્વરહેમ્પ્ટનના ૫૪ વર્ષના મિલિયોનર પોવારનો મૃતદેહ શનિવાર, ૩૦ મેએ જંગલમાંથી મળી આવ્યો હતો. પોવારની હત્યા પ્રોપર્ટીના મુદ્દે કરાઈ હોવાનું મનાય છે. જલંધર પોલીસે હત્યારા ટેક્સી ડ્રાઈવરને વિશ્વના મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.

બે સંતાનોના પિતા રણજિતસિંહ પોવાર લાપતા થયાના અહેવાલો પછી તેમની શોધખોળ ચાલી હતી અને તેમનો મૃતદેહ અમૃતસરથી ૬૦ માઈલના અંતરે આનંદપુર સાહિબના જંગલમાં મળી આવ્યો હતો. પોવાર સાત મેએ ભારતના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા હતા અને તેઓ ૧૪ મેએ બર્મિંગહામ એરપોર્ટ પાછા ફરવાના હતા. જોકે, તેમના કોઈ સમાચાર ન મળતા તેમના પરિવારે પોલીસને જાણ કરી હતી. ભારતથી પ્રાપ્ત અહેવાલો મુજબ સંપત્તિના વિવાદના મામલે પોવારની ગળું દબાવીને હત્યા થઈ હતી. પોવારના મિત્ર અને બિઝનેસ પાર્ટનર બલદેવસિંહ દેઓલના ટેક્સી ડ્રાઈવરે આપેલી માહિતીના આધારે ભારતીય પોલીસે બ્રિટિશ બિઝનેસમેનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. સુખદેવસિંહે ગુનો કબૂલતા તેની સામે હત્યાનો આરોપ દાખલ કરાયો હતો.

પોવારના પાર્ટનર એન્જેલા બીરે તેઓ અત્યંત વ્યથિત હોવાનું જણાવી તેમણે આત્મીયજન ગુમાવ્યાં હોવાનું કહ્યું છે. અગાઉ, બીરે જ પોવારના અપહરણ કે હત્યાની શંકા વ્યક્ત કરી હતી. પોવારના ૨૩ વર્ષીય પુત્ર જિયાને (Gian) જણાવ્યું હતું કે, ‘મારા પિતાની ભારતમાં હત્યા કરાઈ છે. એમા (પોવારની પુત્રી) અને હું તમામ ઉત્તરો મેળવવાના પ્રયાસો ચાલુ રાખીશું. યુકે અને ભારતમાં પોલીસ તપાસ ચાલુ રહેશે અને બધાં ઉત્તર અને ન્યાય મળે ત્યાં સુધી પ્રયાસો ચાલુ રહેશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter