ભારતમાં લાપતા પિતાને શોધવા પરિવારે ઈનામની જાહેરાત કરી

Tuesday 26th May 2015 07:35 EDT
 
 

બર્મિંગહામઃ ભારતની બિઝનેસ મુલાકાત દરમિયાન લાપતા ૫૪ વર્ષીય પિતા રણજિતસિંહ પોવારના વુલ્વરહેમ્પ્ટનમાં રહેતા પરિવારે તેમને શોધવા અને યુકેમાં સલામત લાવવા માટે £૨૫,૦૦૦ના ઈનામની જાહેરાત કરી છે. રામાદા પાર્ક હોલ હોટેલના માલિક રણજિતસિંહ સાત મેએ ભારત ગયા હતા અને ૧૪ મેએ યુકે પરત આવવાના હતા. સામાન્ય રીતે તેઓ પરિવારને દિવસના બેથી ત્રણ વખત ફોન કરતા હતા, પરંતુ સાત મેએ અમૃતસર ઉતર્યા પછી તેમણે તેમના પાર્ટનર એન્જેલા બીરને ફોન કર્યો હતો અને તે પછી તેમનો ફોન ન આવતા પરિવારને ભારે ચિંતા થઈ હતી. મિસ બીરના કહેવા અનુસાર તેઓ ખુશ જણાતા હતા. પોવારની સલામતી અને તેમનું અપહરણ કે હત્યા થવાના ડરની ચિંતા વધતા પરિવારે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

તેમના ૨૬ વર્ષીય પુત્રી એમા પવારે જણાવ્યું હતું કે તપાસમાં મદદ થાય તેવા નિવેદનો અમે વુલ્વરહેમ્પ્ટન પોલીસને આપ્યાં છે. ભારતીય મીડિયાના રિપોર્ટ મુજબ પંજાબ પોલીસ ઈન્ટરપોલની મદદ લેવાનું આયોજન કરી રહી છે. ભારતીય પોલીસે પોવારના લાપતા થવા અંગે કેટલીક વ્યક્તિઓની પૂછપરછ કરી હોવાના પણ અહેવાલો છે. જોકે, પરિવાર કહે છે કે તેમને ઈંગ્લિશ પોલીસ તરફથી તપાસની કોઈ અપડેટ્સ મળી નથી.

આ ઘટનાના પરિણામે ટુરિઝમ અથવા બિઝનેસના હેતુસર ભારતના પ્રવાસે જનારા લોકોની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠ્યાં છે. દર સપ્તાહે ૪૦૦૦થી ૭૦૦૦ લોકો યુકેથી ભારત જાય છે. દરિયાપારના નાગરિકના અપહરણના કિસ્સા દુર્લભ હોવાં છતાં નાણાકીય અને બદલાના હેતુ કામ કરી જતાં હોય છે. પીડિત અને તેના પરિવારને સારી રીતે ઓળખતા અને બ્રિટનમાં જ રહેતા લોકો દ્વારા તેનું આયોજન થતું હોય છે.

સ્વાભાવિક રીતે જ ભારતીય પોલીસની ક્ષમતા બાબતે બ્રિટિશરો શંકાશીલ રહે છે. ૨૦૧૩માં અપહરણ કરાયેલા બ્રિટિશ તામિલ બિઝનેસમેન અને તેમના પત્નીને સલામત યુકે પાછા પહોંચાડવામાં ભારતીય પોલીસની કામગીરી નોંધપાત્ર રહી હતી. આ ઘટનામાં £૩૦૦,૦૦૦ના બાન સાથે અપહરણનું ષડયંત્ર યુકેમાં જ ઘડાયું હતું. બિઝનેસમેનને ત્યાં જ નોકરી કરતા બે કાવતરાખોર અજંથન અને રમેશને અનુક્રમે નવ વર્ષ અને સાડા સાત વર્ષની કેદની સજા ક્રોયડન ક્રાઉન કોર્ટે ફરમાવી હતી.

જોકે, બ્રિટિશ વિદ્યાર્થી સૂરજ પટેલ આટલો ભાગ્યશાળી ન હતો. સુરજ જાન્યુઆરી ૨૦૦૮માં ગુજરાત ગયો હતો. તેણે વડોદરાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો અને સપ્ટેમ્બર ૨૦૦૮ પછી તેની ભાળ મળી નથી. તે ગોવા ગયો હતો અને તે પછી પાછો ફર્યો નથી. લંડનથી તેના દાદા પુરુસોત્તમ પટેલ તેને શોધવા ભારત ગયા હતા, પરંતુ નિષ્ફળતા જ સાંપડી હતી. કોઈ મિત્રે સુરજનો ફોન વેચ્યો ત્યારે ભારતમાં પોલીસે કેટલાંકની ધરપકડ કરી હતી. આ પછી શકમંદો લાઈ ડિટેક્શન ટેસ્ટ માટે હાજર જ ન થતાં કોઈ કડી આગળ વધી ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter