લેસ્ટરમાં સ્થાનિક લોકડાઉન નિયંત્રણો વધુ હળવાં બનાવાયાં

લેસ્ટર - બર્મિંગહામના સમાચાર

Wednesday 09th September 2020 01:43 EDT
 

લેસ્ટરઃ સરકારે મંગળવાર ૮ સપ્ટેમ્બરથી અમલમાં આવે તે રીતે સ્થાનિક લોકડાઉન નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરની જાહેરાત મુજબ માર્ચ પછી પહેલી વખત ઈનડોર સ્વિમિંગ પૂલ્સ, જીમ્સ, ફિટનેસ સ્ટૂડિયોઝ અને સ્પોર્ટ્સ કોર્ટ્સ ખોલી શકાશે. કોવિડ-૧૯ના કેસીસમાં ચિંતાજનક ઉછાળા પછી બ્રિટનમાં સૌપ્રથમ લેસ્ટરને ૨૯ જૂનથી સ્થાનિક લોકડાઉન હેઠળ મૂકાયું હતું. સરકારે ૨૮ ઓગસ્ટે બે સપ્તાહ માટે નિયંત્રણો લંબાવ્યા હતા. હજુ ૧૧ સપ્ટેમ્બરે વધુ એક સમીક્ષા કરાશે.

અલગ અલગ પરિવારો વચ્ચે ખાનગી ઘરો અને ગાર્ડન્સમાં મુલાકાતો હજુ નિયંત્રિત રહેશે પરંતુ, ટેનિંગ બૂથ્સ, સ્પાઝ અને મસાજ તેમજ ટેટૂ પાર્લર્સ સહિતના કેટલાક બિઝનેસીસ ખુલી જશે. રેસ્ટોરાં, બાર્સ, ધર્મસ્થાનકો, લાઈબ્રીઝ, કોમ્યુનિટી સેન્ટર્સ, આઉટડોર પ્લેગ્રાઉન્ડ્સ અને જીમ્સ ખોલી દેવાયા છે. સિટી કાઉન્સિલના લેઈઝર સેન્ટર્સ સોમવાર ૧૪ સપ્ટેમ્બરતી તબક્કાવાર ફરી ખોલવામાં આવનાર છે. જોકે, બ્યૂટી સલૂન્સમાં ફેસિયલ ટ્રીટમેન્ટ્સ પ્રતિબંધિત છે અને બોલિંગ એલીઝ, કેસિનો અને સોફ્ટ પ્લે એરિયાઝ હજુ બંધ જ રહેશે. તંદુરસ્તીની દૃષ્ટિએ નબળા લોકોને હજુ૨૩ સપ્ટેમ્બર સુધી ઘરમાં જ રહેવા તેમજ કાળજી રાખવા જણાવાયું છે.

લેસ્ટરશાયરમાં મહાકાય બ્રેક્ઝિટ લોરી પાર્ક

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો યુકેનો ટ્રાન્ઝિશન પીરિયડ સમાપ્ત થયા પછી ખોરાક અને તબીબી પુરવઠો ખોરવાઈ જવાની શક્યતાને ટાળવા લેસ્ટરશાયરમાં મહાકાય લોરી પાર્કનું નિર્માણ થઈ શકે છે. સરકારે લેસ્ટરશાયર સહિત ૨૯ કાઉન્સિલ વિસ્તારોમાં લોરી પાર્ક્સ બાંધવા અસામાન્ય સત્તા પોતાને હસ્તક લેવાની દરખાસ્તો જાહેર કરી છે. લોકલ ગવર્મેન્ટ સેક્રેટરી રોબર્ટ જેનરિકની દરખાસ્તો હેઠળ લોકલ પ્લાનિંગ ઓથોરિટીઝની પરવાનગી મેળવ્યા વિના જ આ પાર્ક્સ બાંધી શકાશે. સરકારે કેન્ટમાં વિશાળકાય લોરી પાર્કનું બાંધકામ કર્યું જ છે. જો બ્રિટન કોઈ વેપાર સમજૂતી વિના જ ઈયુમાંથી બહાર નીકળે તો મેડિસિન્સ અને ખોરાકના પુરવઠાના પ્રવાહને અસર પહોંચી શકે છે તેવી ચેતવણી રોડ હોલેજ એસોસિયેશન અને અન્ય ટ્રાન્સપોર્ટ સંસ્થાઓ દ્વારા અપાઈ છે.

લેસ્ટરના ટાઉનની શાળામાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

લેસ્ટરના સબર્બ બ્રાઉનસ્ટોન ટાઉનની ધ વિન્સ્ટેન્લી સ્કૂલના એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ જાહેર કરાયો હતો. આના કારણે, પેરન્ટ્સને પોતાના બાળકોમાં વાઈરસના લક્ષણો પર નજર રાખવા જણાવાયું છે. કિંગ્સવે નોર્થની શાળામાં ૧૧-૧૬ વયજૂથના ૬૦૦થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. શાળાએ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની સલાહ અનુસાર વિદ્યાર્થીઓના પેરન્ટ્સને પત્ર પાઠવ્યો હતો. કોરોના વાઈરસના લક્ષણ જણાયે તેવા બાળકને ૧૦ દિવસ એકાંતવાસમાં રાખવા અને રોગ માટે ટેસ્ટિંગ કરાવી લેવા તેમજ જો પોઝિટિવ પરિણામ આવે તો ઘરના દરેક વ્યક્તિએ ૧૪ દિવસ માટે ઘરમાં જ રહેવાની સલાહ પણ અપાઈ હતી.

બર્મિંગહામમાં આત્મહત્યાનું વધેલું પ્રમાણ

બર્મિંગહામમાં સતત પાંચમા વર્ષે આત્મહત્યાની ઘટનાઓ વધી છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૭માં ૭૪ ઘટનાની સરખામણીએ ૨૦૧૯માં ૮૮ આત્મહત્યા થઈ છે. જોકે, આત્મહત્યા પર કોરોના વાઈરસની અસર વિશે જણાવવું વહેલું ગણાશે. ૨૦૧૭થી ૨૦૧૯ના ગાળામાં ૨૩૬ લોકોએ આત્મહત્યા કરી હતી, જે ૧૦૦,૦૦૦ વ્યક્તિએ ૮.૭નો મૃત્યુદર સૂચવે છે. વેસ્ટ મિડલેન્ડ્સમાં આ વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરીથી માર્ચ મહિનાના ગાળામાં ૧૨૩ લોકોએ આપઘાત કર્યા હતા જે, સંખ્યા ૨૦૧૯ના આ જ સમયગાળામાં ૧૨૭ની હતી. બીજી તરફ, એપ્રિલથી જૂન મહિનામાં ૧૩૧ આપઘાત નોંધાયા હતા જે અગાઉના વર્ષના ૧૪૦ આપઘાત કરતાં ઓછાં છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૯માં ૫,૬૯૧ લોકોએ આપઘાત કર્યો હતો જે ૨૦૧૮ના ૫,૪૨૦ આપઘાત કરતાં વધુ તેમજ ૧૯૮૮ પછી કોઈ એક વર્ષમાં સૌથી વધુ આપઘાત છે.

બર્મિંગહામમાં પાંચ બાળ કેર હોમ્સ બંધ કરાશે

લંડનના પ્રસિદ્ધ રિહેબ ક્લિનિકના ધ પ્રિઓરી ગ્રુપે બર્મિંગહામમાં બાળકોનાં પાંચ કેર હોમ્સ બંધ કરવાની જાહેરાત ઓગસ્ટમાં જ કરી દીધી છે. ધ પ્રિઓરી ગ્રુપનું કહેવું છે કે આ હોમ્સ ત્યાં રખાતાં બાળકો અને તરુણોની જરુરિયાતો સંબંધે પૂરતી સુવિધા ધરાવતા નથી. આ ગ્રૂપે ૨૦૧૬માં સિટી કાઉન્સિલના કેર હોમ્સ ચલાવવા ૪૦ મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ કર્યો હતો જે, જાન્યુઆરી ૨૦૨૧માં સમાપ્ત થવાનો છે. ગ્રુપે બર્મિંગહામમાં બાળકો માટે સેવા ચલાવતા બર્મિંગહામ ચિલ્ડ્રન્સ ટ્રસ્ટ સાથે પણ આ બાબતે વાતચીત કરી હતી. બાળ કેર હોમ્સ ટાઈલ ક્રોસ, ધ જ્વેલરી ક્વાર્ટર, હેન્ડ્ઝવર્થ, હારહોર્ન અને રેડનાલ ખાતે આવેલા છે. ઓફસ્ટેડે જણાવ્યું હતું કે ‘બાળકોની સલામતી જાળવવામાં અને ચિલ્ડ્રન્સ હોમ રેગ્યુલેશન્સના પાલનમાં નિષ્ફળતા’ પછી કંપનીએ પાંચમાંથી ચાર કેર કેર હોમ્સમાં તેમના રજિસ્ટ્રેશન્સ પરત કરી દીધા છે. બાળકોને વૈકલ્પિક સ્થળે ખસેડી લેવાયા છે અને બાકી રહેલી એક સુવિધામાંથી બે બાળકોને તેમની જરુરિયાત સચવાય તેવા સ્થળે મોકલવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter