બર્મિંગહામના બનાવટી આરબ શેખ પર એમેઝોન પ્રાઇમની દસ્તાવેજી ફિલ્મ

બ્રિટનની સેલિબ્રિટીઓ અને રાજવીઓને મૂર્ખ બનાવવામાં એક્કો હતો મઝહેર માહમૂદ

Wednesday 13th July 2022 06:09 EDT
 
 

બર્મિંગહામ, લંડનઃ બ્રિટનની સેલિબ્રિટીઓ અને રાજવી પરિવારના સભ્યોને મૂર્ખ બનાવવા પોતાને એક અમીર આરબ તરીકે રજૂ કરનાર બર્મિંગહામના બનાવટી શેખ પત્રકાર તરીકે કુખ્યાત એવા મઝહેર માહમૂદના રહસ્યોનો ખુલાસો હવે એમેઝોન પ્રાઇમની એક ડોક્યુમેન્ટરીમાં કરાશે. ન્યૂઝ સ્ટોરીઝ માટે સેલિબ્રિટીઓ અને રાજવી પરિવારના સભ્યો પાસે વિવાદાસ્પદ નિવેદનો કરાવવા માહમૂદ પોતાને એક અમીર આરબ તરીકે રજૂ કરતો હતો.

ન્યૂઝ ઓફ વર્લ્ડ માટે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ તરીકે કામ કરતા માહમૂદને ન્યાયની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાના કાવતરા માટે દોષી ઠેરવી વર્ષ 2016માં 15 મહિનાની કેદ ફટકારવામાં આવી હતી. તેણે બોલિવૂડના ફિલ્મ નિર્માતાનો સ્વાંગ રચીને એક્સ ફેક્ટરની જજ તુલિસા કોન્ટોસ્તાવલોસને ફિલ્મમાં મોટી ભુમિકાનો ઝાંસો આપ્યો હતો અને તેના માટે તેને એક ડ્રગ ડીલ કરવા કહ્યું હતું. આ માટે તુલિસાની ધરપકડ કરાઇ હતી અને 2013માં તેના પર આરોપો ઘડાયા હતા. પરંતુ માહમૂદે પુરાવા રફેદફે કરી નાખતા આ કેસ રદ કરી દેવાયો હતો.

એમેઝોન પ્રાઇમનું માનવું છે કે માહમૂદ પર તૈયાર કરાયેલી દસ્તાવેજી ફિલ્મ કિંગ ઓફ સ્ટિંગ મોટી સફળતા હાંસલ કરશે. માહમૂદની કહાણી ઘણાને આકર્ષે તેવી છે. તેમાં તમામ પ્રકારનો મસાલો છે. તેણે સફળતાપુર્વક દેશના સેલિબ્રિટીઓને મૂર્ખ બનાવ્યા હતા. માહમૂદનો દાવો હતો કે તેણે તેની પત્રકાર તરીકેની બે દાયકાની કારકિર્દીમાં 100 કરતાં વધુ ક્રિમિનલને દોષી ઠેરવવામાં મદદ કરી હતી. તેમાં 2010માં મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા 3 પાકિસ્તાની ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. માહમૂદનો દાવો હતો કે તેણે આ મેચ ફિક્સિંગ કૌભાંડને ઊઘાડું પાડ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter