લંડનઃ બર્મિંગહામમાં ઇ-બાઇક પર જઇ રહેલા સગીરની ગોળી મારી હત્યા કરવા માટે સિરાજ અયુબને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા દોષી ઠેરવાયો છે. 19 વર્ષીય અલી રિયાનની હત્યા કર્યા બાદ સિરાજ 3 મહિના માટે દેશ છોડીને ફરાર થઇ ગયો હતો. 19 ઓક્ટોબર 2024ના રોજ અલી પર સિરાજે હુમલો કરતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં બે દિવસ સારવાર બાદ તેનું મોત થયું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મર્સિડિઝ ચલાવી રહેલા સિરાજે ઇ-બાઇક પર મિત્ર સાથે જઇ રહેલા અલીનો પીછો કર્યો હતો અને એલ્ડરસન રોડ પર કારમાંથી જ અલી પર ગોળી ચલાવી હતી. હુમલાની રાતે જ સિરાજ યુકે છોડીને ફરાર થયો હતો અને આ વર્ષે 28 જાન્યુઆરીના રોજ તે ડબ્લિનથી ફેરી દ્વારા યુકે પરત આવ્યો હતો.


