બર્મિંગહામમાં એર ઇન્ડિયાની ઘાત ટળી, વિમાનનું સુરક્ષિત ઉતરાણ

વિમાનના તમામ ઉપકરણો સાબૂત હોવા છતાં ઇમર્જન્સી રેમ એર ટર્બાઇન સિસ્ટમ સક્રિય થઇ જતાં ભય ફેલાયો, ભારતના ડીજીસીએ દ્વારા તપાસનો આદેશ, પાયલટ એસોસિએશને તમામ બોઇંગ 787 વિમાનની ચકાસણીની માગ કરી

Tuesday 07th October 2025 10:50 EDT
 
 

લંડનઃ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાની ઘટનાની સ્મૃતિ હજુ માનસપટ પરથી ભૂંસાઇ નથી ત્યાં શનિવારે ભારતના પંજાબના અમૃતસરથી બર્મિંગહામ જતી ફ્લાઇટના લેન્ડિંગ સમયે રેમ એર ટ્રબાઇન (આરએટી) સિસ્ટમ સક્રિય થઇ જતાં મધ્ય આકાશમાં ભય ફેલાઇ ગયો હતો. એરક્રાફ્ટમાં જ્યારે પાવર ફેઇલ થાય છે ત્યારે આ સિસ્ટમ સક્રિય થતી હોય છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ 117 બર્મિંગહામમાં લેન્ડ થાય તે પહેલાં ક્રુને ખબર પડી હતી કે આરએટી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જોકે વિમાનના તમામ ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક પેરામીટર્સ સામાન્ય રીતે કામ કરતાં હોવાથી બર્મિંગહામ ખાતે સુરક્ષિત ઉતરાણ કરાયું હતું. વિમાનને ઇન્સ્પેક્શન માટે મોકલી અપાયું હતું.

આ ઘટના બાદ ભારતના ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને (ડીજીસીએ)તપાસનો આદેશ આપ્યો હતો. ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે આ ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ. મામલાની ઊંડાણપુર્વકની તપાસ જરૂરી છે. આ માટે ડિરેક્ટોરેટ ઓફ એસઆઇઆર સેફ્ટીના એક અધિકારીને જવાબદારી સોંપાઇ છે.

બીજીતરફ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સે ડીજીસીએને પત્ર લખી ભારતમાં ઓપરેટ થતાં તમામ બોઇંગ 787 વિમાનોની ઇલેક્ટ્રિક સિસ્ટમની વ્યાપક તપાસની માગ કરી છે. બર્મિંગહામ જઇ રહેલા વિમાનમાં તમામ ઉપકરણો યોગ્ય રીતે કામ કરતાં હોવા છતાં આરએટી સિસ્ટમ સક્રિય થઇ ગઇ હતી અને તે સમયે વિમાન ફક્ત 500 ફૂટની ઊંચાઇ પર હતું. જ્યારે વિમાનના એન્જિન નિષ્ફળ જાય ત્યારે જ આ સિસ્ટમ સક્રિય થતી હોય છે.

26 ઓક્ટોબરથી એર ઇન્ડિયાની હિથ્રોથી દિલ્હીની રોજની 4 ફ્લાઇટ

એર ઇન્ડિયાએ આગામી શિયાળાની સીઝનમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા લંડનના હિથ્રો એરપોર્ટ ખાતેથી દિલ્હી જતી ફ્લાઇટની સંખ્યામાં વધારો કર્યો છે. હવે લંડનના હિથ્રોથી દિલ્હીની રોજની 3 ફ્લાઇટના સ્થાને 26 ઓક્ટોબરથી 28 માર્ચ 2026 સુધી રોજની 4 ફ્લાઇટ ઉડાન ભરશે.

બ્રિટિશ એરવેઝ ભારત જતી ફ્લાઇટની સંખ્યામાં વધારો કરશે

બ્રિટિશ એરવેઝ ભારત ખાતેની ફ્લાઇટ સેવાઓનું વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. હાલ બ્રિટિશ એરવેઝ ભારતના દિલ્હી, મુંબઇ, બેંગાલુરૂ, હૈદરાબાદ અને ચેન્નઇ માટે સપ્તાહમાં 56 ફ્લાઇટ ઓપરેટ કરે છે. એરવેઝના સીઇઓ સીન ડોયલેએ જણાવ્યું હતું કે, આ પગલાંથી ભારતમાં અમારા ફ્લાઇંગ નેટવર્કનો વિસ્તાર થશે. ભારતના અન્ય શહેરો સુધી પણ એરવેઝની સેવાઓ વિસ્તારાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter