લંડનઃ બર્મિંગહામના બાલસાલમાં રિફ્યુઝ વર્કરોની જાન્યુઆરી મહિનાથી વારંવાર હડતાળો અને છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલી અનિશ્ચિત મુદતની હડતાળના કારણે શહેરમાં કચરાના ઢગ સર્જાયા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને બિઝનેસ પરેશાન થઇ ગયાં છે. બિઝનેસોની ફરિયાદ છે કે લાંબાસમયથી કચરો એકઠો નહીં કરાતા હવે ગંધાવા લાગ્યો છે જેની સીધી અસર જાહેર આરોગ્ય પર પણ થઇ રહી છે.
કાઉન્સિલના ખાડે ગયેલા બજેટના કારણે વેસ્ટ મેનેજમેન્ટ મામલે વિવાદો ચાલી રહ્યાં છે. સમગ્ર ઇંગ્લેન્ડમાં ખર્ચમાં કાપ મૂકવા માટે જાહેર સેવાઓમાં કાપ મૂકવામાં આવી રહ્યાં છે. યુરોપમાં લાર્જેસ્ટ લોકલ ઓથોરિટી ગણાતા બર્મિંગહામ સિટીએ 2023માં પોતાને નાદાર જાહેર કર્યું હતું. પરંતુ સમગ્ર દેશમાં સ્થાનિક સત્તાવાળાઓ ખર્ચને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
બર્મિંગહામ કાઉન્સિલે કામદારોના વેતનમાં ઘટાડો કરતાં યુનાઇટ યુનિયન દ્વારા હડતાળ શરૂ કરાઇ હતી. યુનિયનનો આરોપ છે કે આ નિર્ણય લેતા પહેલાં કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરાઇ નહોતી.