લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે વહેલી સવારના દરોડામાં કારના સ્પેરપાર્ટ્સની ચોરી કરતી ટોળકીના બે મુખ્ય સાગરીતોની ધરપકડ કરી છે. 23 વર્ષીય મોહમ્મદ ખાન અને મોહમ્મદ હૈદર નામના આ શખ્સોએ અનેક વાહનોમાંથી કિંમતી પાર્ટ્સ ચોરવાની કબૂલાત કરી છે.
આ જોડી ખાસ કરીને બર્મિંગહામ સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવતી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ ચોરી કર્યા બાદ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતા હતા. એક વીડિયોમાં તેઓ "રોડ ટુ અ મિલિયન" કહીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું કે આરોપીઓ વાહનોના પાર્ટ્સ કાઢતી વખતે પોતે જ તેના ફોટા અને વીડિયો શૂટ કરતા હતા. આ બંને ગુનેગારોની ધરપકડ તેમના જ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પુરાવાઓને આધારે કરવામાં આવી છે. હાલ કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

