બર્મિંગહામમાં બાળકો અને સગીરાઓનું જાતીય શોષણ કરતા અપરાધીઓ બેફામ

6 ગ્રૂમિંગ ગેંગ અને 98 કેસની તપાસ ચાલુ, જાન્યુઆરી-જૂન 2026માં 99 કેસ નોંધાયા

Tuesday 06th October 2026 10:28 EDT
 
 

લંડનઃ બર્મિંગહામમાં બાળકોનું જાતીય શોષણ કરતા અપરાધીઓ કેટલા બેફામ છે તેનો એક નવા અહેવાલમાં સનસનાટીભર્યો ખુલાસો થયો છે. હાલ પોલીસ દ્વારા 6 ગ્રૂમિંગ ગેંગ અને 98 કેસની તપાસ ચાલી રહી છે.

બર્મિંગહામ ચિલ્ડ્રન્સ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં શહેરના ચિંતાજનક આંકડા રજૂ કરવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે 99 કેસ નોંધાયા છે, જે ગયા વર્ષના કુલ 150 કેસની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. આશરે 143 બાળકો આ પ્રકારના શોષણનો ભોગ બન્યા છે અથવા તો ગંભીર જોખમ હેઠળ છે. મોટાભાગની પીડિત 13થી 17 વર્ષની સગીરાઓ છે, જ્યારે ગુનેગારોમાં મુખ્યત્વે 30થી 49 વર્ષના પુરુષો સામેલ છે.

અહેવાલ મુજબ બાળકોના કેર હોમ, હોટેલો, ટેક્સીઓ અને રાત્રે ખુલ્લી રહેતી બોબ શોપ્સ બાળકો માટે સંવેદનશીલ અને જોખમી સ્થળો છે. એક તપાસમાં જાણવા મળ્યું કે 12થી 15 વર્ષના બાળકો ઘરેથી ગાયબ થઈ બસ કે ટ્રેન દ્વારા સિટી સેન્ટર તરફ જતા હતા. મે મહિનામાં બાળકો સામેના ગુનામાં સંડોવણીની શંકાના આધારે બે પ્રાઇવેટ ટેક્સી ડ્રાઇવરોના લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવ્યા હતા. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બાળકોનું ઘરેથી વારંવાર ગાયબ થવું એ આ પ્રકારના શોષણનો સૌથી મોટો સંકેત છે. હાલમાં આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

ગ્રૂમિંગ ગેંગ તપાસનો દાયરો હવે વેલ્સ અને બર્મિંગહામ સુધી વિસ્તારાયો

ગ્રૂમિંગ ગેંગ તપાસનો દાયરો હવે વેલ્સ અને બર્મિંગહામ સુધી વિસ્તૃત કરવામાં આવ્યો છે. તપાસ સમિતિએ જણાવ્યું હતું કે, આ બંને તપાસનો મુખ્ય હેતુ બાળકોના જાતીય શોષણ અને તેમને બચાવવા માટે જવાબદાર સંસ્થાઓની કામગીરીની સમીક્ષા કરવાનો છે. અગાઉ જૂન મહિનામાં તપાસ સમિતિએ લંડન, ઓલ્ડહામ, બ્રેડફોર્ડ અને કીગલી જેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડના પૂર્વ ચાઇલ્ડ કમિશનર બેરોનેસ એન્ડી લોંગફીલ્ડના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી આ ત્રણ વર્ષીય તપાસ સમિતિ પાસે સાક્ષીઓને સમન્સ પાઠવવાની અને દસ્તાવેજો મગાવવાની કાનૂની સત્તા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter