લંડનઃ બર્મિંગહામમાં ટેલિવિઝનના રિમોટ મામલે તકરાર થયા બાદ 76 વર્ષીય માતા મોહિન્દર કૌરની હત્યા કરી નાખનાર 39 વર્ષીય પુત્ર સુરજિત સિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સપ્ટેમ્બર 2024માં સુરજિતે તેનો અપરાધ કબૂલી લીધો હતો. બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, નશામાં ચકચૂર સુરજિતે માતા સાથે તકરાર થયા બાદ તેને મૂઢ માર મારતાં તેનું મોત થયું હતું.
માતાએ પુત્રને નશો કરવાના મામલે ઠપકો આપ્યા બાદ મામલો બિચક્યો હતો. સુરજિતે પિત્તો ગુમાવી માતા પર જીવલેણ હુમલો કર્યો હતો. માતાની હત્યા બાદ તે નાસી છૂટ્યો હતો. ધરપકડ બાદ સુરજિતે પોલીસને જણાવ્યું હતું કે, મારો હત્યા કરવાનો કોઇ ઇરાદો નહોતો. હું માનસિક નિયંત્રણ ગુમાવી બેઠો હતો. સુરજિતને 15 વર્ષ સુધી કોઇ પેરોલનો અધિકાર નહીં રહે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે, આ નિરર્થક હત્યાએ સમગ્ર પરિવારને છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો.