લંડનઃ બર્મિંગહામ સિટીના પહેલા મુસ્લિમ આગેવાન બનવાનો પ્રયાસ કરી રહેલા વસીમ જાફરને સમર્થન આપવા મહિલા સહયોગી પર દબાણ કરનાર લેબર કાઉન્સિલરને સ્ટાન્ડર્ડ કમિટી દ્વારા ઠપકો અપાયો છે. લેબર કાઉન્સિલર સાકિબ ખાને તેમના પર મૂકાયેલા તમામ આરોપ નકારી કાઢ્યાં હતાં. સાકિબ ખાનને કોડ ઓફ કન્ડક્ટની તાલીમ લેવાનો આદેશ અપાયો હતો. લેબર પાર્ટીમાં આ મામલે છેલ્લા બે વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ તેમની સામે કોઇ પગલાં લેવાતાં નહોતાં.
સાકિબ ખાને પાંચ સંતાનની માતા અને સ્મોલ હીથ વોર્ડનું પ્રતિનિધિત્વ કરતી શબિના બાનો પર દબાણ કર્યું હતું. જેના પગલે શબિના બાનો લેબર પાર્ટી સાથે છેડો ફાડીને લિબરલ ડેમોક્રેટ પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. શબિના બાનોએ આરોપ મૂક્યો હતો કે પાર્ટીમાં સામેલ એશિયન પુરુષ અગ્રણીઓ દ્વારા મારા પર દબાણ કરાતું હતું. તેઓ સ્થાનિક સ્તરે લેબર પાર્ટીના મામલાઓમાં અનિચ્છનિય પ્રભાવ પાડવાનો પ્રયાસ કરતા હતા.
કાઉન્સિલની સ્ટાન્ડર્ડ કમિટી દ્વારા શબિના દ્વારા મૂકાયેલા આરોપોની સ્વતંત્ર તપાસ કરાઇ હતી. કેટલાક કાઉન્સિલરો સામેની તપાસમાં છેલ્લે સાકિબ ખાન અને મોહમ્મદ ઇદરિશ સામે કાર્યવાહીનો નિર્ણય લેવાયો હતો. કમિટીએ સાકિબ ખાન અંગેનો ચુકાદો આપી દીધો હતો જ્યારે ઇદરિશ સામેની સુનાવણી ટૂંકસમયમાં હાથ ધરાશે. બાનોએ આરોપ મૂક્યો હતો કે વસીમ જાફરને લેબર પાર્ટીના નેતાપદે ચૂંટી કાઢવામાં મદદ કરવા મારા પર દબાણ કરાયું હતું.