લંડનઃ 2019માં બ્રિટિશ પરિવારના સભ્યોની હત્યા માટે સોપારી લેનાર અને હત્યાના નિષ્ફળ પ્રયાસ બાદ પાંચ વર્ષ સુધી ફરાર થયેલી અમેરિકી મહિલા એઇમી બેટ્રોને 30 વર્ષ જેલની સજા કરાઇ છે. એઇમીએ સપ્ટેમ્બર 2019માં બર્મિંગહામમાં મોહમ્મદ અસલમ અને મોહમ્મદ નઝિરના ઇશારે અસલત માહમૂદ અને તેના દીકરા સિકંદર અલીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેની ગન જામ થઇ જતાં હત્યાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટે એઇમીને હત્યાના કાવતરા, હિંસા માટે શસ્ત્ર ધરાવવા અને ગેરકાયદેસર રીતે શસ્ત્રની આયાત કરવાના આરોપસર દોષી ગણી આ સજા ફટકારી હતી. એઇમીને સોપારી આપનાર ડર્બીના મોહમ્મદ અસલમ અને મોહમ્મદ નઝિરને અનુક્રમે 10 અને 32 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે.
જુલાઇ 2018માં અસલત માહમૂદના ક્લોથિંગ બ્યુટિક ખાતે થયેલી તકરારમાં ઇજા થયા બાદ નઝિર અને અસલમે હત્યાની યોજના તૈયાર કરી હતી અને અમેરિકી કોન્ટ્રાક્ટ કીલર એઇમી બેટ્રોને સોપારી આપી હતી. 7 સપ્ટેમ્બર 2019ના રોજ બેટ્રોએ અસલત અને તેના દીકરા સિકંદર અલીની હત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની ગન જામ થઇ જતાં નિષ્ફળ રહી હતી.


