બલ્બ કંપનીના કારણે સરકારને 6.5 બિલિયન પાઉન્ડનું નુકસાન થયું

કંપનીને અપાયેલી સહાય સરકારે મિની બજેટમાં લાદેલા ટેક્સના 25 ટકા જેટલી

Wednesday 30th November 2022 05:57 EST
 
 

લંડન

પડી ભાંગેલી એનર્જી કંપની બલ્બના કારણે સરકારને 6.5 બિલિયન પાઉન્ડનું નુકસાન થયું છે પરંતુ તેના બે કરોડપતિ પ્રમોટર્સ આબાદ છટકી ગયાં છે. ગયા સપ્તાહમાં રજૂ કરાયેલા ઓટોમન સ્ટેટમેન્ટમાં આ કંપનીને બચાવવા માટે ખર્ચાયેલા નાણાની વિગતો બહાર આવ્યા બાદ હવે બલ્બ કંપનીના સ્થાપકોને કરોડો પાઉન્ડ પરત ચૂકવવાની અપીલ કરવામાં આવી છે. આ કંપનીને બચાવવા માટે એટલી રકમ ખર્ચી નાખવામાં આવી હતી કે તેના દ્વારા બ્રિટનના દરેક પરિવારને 230 પાઉન્ડની સહાય આપી શકાય.

બલ્બ કંપનીની સ્થાપના 2014માં ગુજરાતી મૂળના બ્રિટિશર અમિત ગુડકા અને હેડન વૂડ દ્વારા કરાઇ હતી. આ કંપની એક સમયે યુરોપની સૌથી ઝડપી વિકાસ કરતી કંપની હતી. એક વર્ષ પહેલાં આ કંપની ધરાશાયી થઇ હતી અને ઓક્ટોપસ એનર્જીએ ગયા મહિને આ કંપનીનું ટેકઓવર કર્યું ત્યાં સુધી આ કંપનીનો હવાલો સરકાર પાસે રહ્યો હતો.

બલ્બ કંપનીને ટકી રહેવા માટે અપાયેલી આર્થિક સહાય ઓટોમન સ્ટેટમેન્ટમાં ચાન્સેલર હન્ટ દ્વારા વધારાયેલા કરવેરા અને સરકારી ખર્ચમાં મૂકાયેલા કાપના 55 બિલિયન પાઉન્ડના 12 ટકા જેટલી થવા જાય છે.

28 એનર્જી કંપનીઓને બચાવવા ઓફેજેમે 9.2 બિલિયન પાઉન્ડ ખર્ચી નાખ્યા

બલ્બ સહિતની અન્ય 28 એનર્જી કંપનીઓને પડી ભાંગતી બચાવવા માટે ઓફજેમ દ્વારા 9.2 બિલિયન પાઉન્ડ ખર્ચી નાખવામાં આવ્યા છે. સાંસદો હવે ઓફજેમ પાસે આ નાણાનો હિસાબ માગી રહ્યાં છે. સરકારે આ કંપનીઓને બચાવવા માટે છેલ્લા 18 મહિનામાં 9.2 બિલિયન પાઉન્ડ ખર્ચ્યાં છે. સરકારે હજુ પડી ભાંગેલી 28 કંપનીઓના ગ્રાહકોને ટ્રાન્સફર કરવા માટે હરીફ કંપનીઓને 2.7 બિલિયન પાઉન્ડની ચૂકવણી કરવાની બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter