લંડનઃ બ્રિટનના ઈતિહાસમાં એક કલંક સમાન ગણાતા 'ફોર્સ્ડ એડોપ્શન' (બળજબરીપૂર્વક દત્તક વિધિ)ના કિસ્સાઓમાં ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ હવે સત્તાવાર રીતે માફી માંગવાની તૈયારી કરી રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધના અંતથી લઈને ૧૯૭૬ સુધીના ગાળામાં, અપરિણીત હોવાના કારણે અંદાજે ૧.૮૫ લાખ બાળકોને તેમની માતાઓ પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા.
તે સમયે ચર્ચ દ્વારા રાજ્યના ભંડોળથી લગભગ ૧૦૦ જેટલા 'મધર એન્ડ બેબી હોમ્સ' ચલાવવામાં આવતા હતા. આ સંસ્થાઓનો મુખ્ય હેતુ ગર્ભવતી અપરિણીત મહિલાઓને સમાજથી દૂર રાખવાનો હતો. તે સમયે લગ્ન વગર માતા બનવું અનૈતિક માનવામાં આવતું હતું, જેના કારણે આ મહિલાઓએ ભારે સામાજિક ગ્લાનિ અને અત્યાચાર સહન કરવા પડ્યા હતા.
ચર્ચ દ્વારા તૈયાર કરવામાં આવેલા માફીપત્રના ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલાઓ અને બાળકોએ આજીવન વેદના અને ટ્રોમા (માનસિક આઘાત) સહન કરવો પડ્યો તેવી વ્યવસ્થાનો ચર્ચ હિસ્સો રહ્યું હતું. ભૂતકાળના તે હાનિકારક વલણ અને વર્તન બદલ અમે અંતઃકરણપૂર્વક દિલગીર છીએ.

