બળજબરીથી પ્રિપેમેન્ટ મીટરો લગાવતી બ્રિટિશ ગેસને ઓફજેમની લાલબત્તી

હોબાળા બાદ એનર્જી કંપનીઓએ બળપુર્વક પ્રિપેમેન્ટ મીટરો લગાવવાની કામગીરી અટકાવી

Wednesday 08th February 2023 06:25 EST
 
 

લંડન

ગરીબ અને નબળા ગ્રાહકોને ગેસ કંપનીની જોહુકમીનો ભોગ બનતાં અટકાવવા સરકારે મેદાનમાં ઉતરવું પડ્યું છે. એનર્જી રેગ્યુલેટર ઓફજેમે ગ્રાહકોના ઘરમાં ઘૂસીને બળજબરીથી પ્રિપેમેન્ટ મીટરો લગાવવા પર બ્રિટિશ ગેસને મનાઇ ફરમાવી દીધી છે. ભારે હોબાળો મચ્યા બાદ અન્ય મોટી એનર્જી કંપનીઓએ પણ આ કામગીરી પર રોક લગાવી દીધી છે.

ઓફજેમના સીઇઓ જોનાથાન બ્રેઅર્લીએ જણાવ્યું હતું કે, અમે ગેસ કંપનીઓ સામે આકરા પગલાં લેતાં ખચકાઇશું નહીં. અમે બ્રિટિશ ગેસના ગ્રાહકોને સંરક્ષણ આપવા તાત્કાલિક પગલાંના આદેશ આપ્યાં છે. ઓફજેમના ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે કંપની જે રીતે બાકી લેણા વસૂલવા લોકોના ઘરોમાં ઘૂસી રહી છે અને તેમને પ્રિપેમેન્ટ મીટર લગાવવા ફરજ પાડી રહી છે તે લાયસન્સની શરતોનું ઉલ્લંઘન છે.

ગ્રાહકો બિલ ભરી શકવાની સ્થિતિમાં નથી તે જાણતા હોવા છતાં બ્રિટિશ ગેસ દ્વારા બિલની વસૂલાત માટે મોકલાતા એજન્ટો બળપુર્વક ઘરોમાં ઘૂસી રહ્યાં છે અને ગ્રાહકોને પ્રિપેમેન્ટ મીટરો લગાવવાની ફરજ પાડી રહ્યાં છે તેવા અહેવાલો બહાર આવ્યા બાદ ઓફજેમ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. ઓફજેમે બ્રિટિશ ગેસ ઉપરાંતની અન્ય તમામ એનર્જી સપ્લાયર કંપનીઓને બળજબરીથી પ્રિપેમેન્ટ મીટરો લગાવવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવાની ચેતવણી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter