લંડનઃ યુકેમાં ભારત સહિતના વિદેશોમાંથી આવતી મહિલા કેર વર્કર્સ બળાત્કાર અને જાતીય સતામણીનો ભોગ બની રહી છે. એક વિદેશી કેર વર્કરે જણાવ્યું હતું કે, મારા મેનેજર દ્વારા મારા પર અવારનવાર બળાત્કાર કરાયો હતો પરંતુ યુકેમાં કામ કરવાનો અધિકાર ગુમાવી દેવાના ભયથી મેં તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી નથી. આ કિસ્સો યુકેમાં આવતી વિદેશી કેર વર્કર્સ કેટલી હદે તેમને નોકરી આપનાર પર આધારિત છે તેનો પર્દાફાશ કરે છે.
બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એન્ડ સિટિઝન્સ એડવાઇસ દ્વારા કરાયેલી તપાસમાં સમગ્ર યુકેમાં વિદેશી કેર વર્કર્સ પર બળાત્કાર અને જાતીય સતામણીના 170થી વધુ મામલા સામે આવ્યાં છે. એક મહિલાએ આરોપ મૂક્યો હતો કે મારા નોકરીદાતાએ મને રહેવાની વ્યવસ્થા આપી હતી તે મકાન માલિક દ્વારા મારી જાતીય સતામણી કરવામાં આવી રહી છે. એક અન્ય મહિલાએ જણાવ્યું હતું કે, મારી પાસે દિવસના 20 કલાક કામ કરાવાતું હોવાની મેં ફરિયાદ કરતાં મારો વિઝા રદ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
સોશિયલ કેર માટેના શેડો મિનિસ્ટર એન્ડ્રુ ગ્વેઇને જણાવ્યું હતું કે આ તપાસના તારણો દર્શાવે છે કે સોશિયલ કેર સેક્ટરમાં પ્રવર્તતી કટોકટી નિવારવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. વિદેશી કેર વર્કર્સનું શોષણ ન થાય તે પ્રકારની સિસ્ટમ સુનિશ્ચિત કરવી જોઇએ.
માઇગ્રન્ટ કેર વર્કર્સને પાંચ પાઉન્ડ કરતાં ઓછું વેતન ચૂકવાય છે
માઇગ્રન્ટ કેર વર્કર્સને કલાકના પાંચ પાઉન્ડ કરતાં ઓછું મહેનતાણું ચુકવાતું હોવાના આરોપ મૂકાયા છે. વિઝા રૂટના દુરૂપયોગ અંગે કરાયેલા એક રિસર્ચમાં આ બાબત સામે આવી હતી. રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, સોશિયલ કેર વર્કર્સ અને ડોમેસ્ટિક વર્કર્સ માટેના શોર્ટ ટર્મ વિઝા કામદારોનું શોષણ થાય તેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યાં છે. તેના કારણે વિદેશી કામદારો આધુનિક ગુલામીમાં ધકેલાઇ જવાનું જોખમ સર્જાયું છે. યુકેમાં કામ કરવા આવતા કૃષિ કામદારોને જાહેરમાં પજવવામાં આવે છે અને તેમને કામ કરેલા તમામ કલાકો માટે પુરતું વેતન પણ ચૂકવાતું નથી.