લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં લગભગ ૮,૦૦૦ બળાત્કારમાં ૧૬ વર્ષથી ઓછી વય ધરાવતી છોકરીઓ સંકળાયેલી છે, જે કુલ બળાત્કારના ૩૦ ટકા જેટલું છે. નોંધાયેલા જાતીય હુમલાઓમાં વય અને જાતિ અંગે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના પ્રથમ સત્તાવાર રિપોર્ટ અનુસાર ઘણી છોકરીઓની વય ૧૦ વર્ષથી પણ ઓછી હતી. અન્ય રેકોર્ડેડ જાતીય ગુનામાં અડધી પીડિતાની વય પણ ૧૬ વર્ષથી નીચે હતી. ONSના ડેટા અનુસાર ગત માર્ચમાં પૂરા થયેલા વર્ષમાં પોલીસ દ્વારા નોંધાયેલા સેક્સ્યુઅલ ગુનાની સંખ્યા કુલ ૮૮,૧૦૬ હતી, જે ૨૦૦૨ પછીના ડેટામાં સૌથી વધુ છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા પ્રસિદ્ધ ડેટા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૩ દળોના આંકડા પર આધારિત અને ગયા વર્ષના માર્ચ મહિના સુધીના ૧૨ મહિના માટેનો છે. જે અનુસાર, • ૧૦માંથી ત્રણ (૩૦ ટકા) મહિલા બળાત્કાર વિક્ટિમની વય ૧૬ વર્ષથી ઓછી, ૨૫ ટકાની વય ૧૪ અને તેથી ઓછી તેમજ ૧૦માંથી એક એટલે કે નવ ટકા છોકરીની વય નવ વર્ષ અથવા તેથી ઓછી હતી. • સ્ત્રી અને પુરુષ, બન્ને જાતિના બળાત્કાર પીડિતની વય સંભનતઃ ૧૫ અને ૧૯ વર્ષની વચ્ચે હતી • હુમલા, લલચામણ અને જાતિય શોષણ જેવા અન્ય સેક્સ્યુઅલ ગુનાઓમાં અડધોઅડધ પીડિતાની વય ૧૬ વર્ષથી ઓછી હતી.
‘એન્ડ વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન કોએલિશન’ સંસ્થાના સારાહ ગ્રીને આંકડાને ખરેખર ચેતવણીજનક ગણાવી કહ્યું હતું કે અપરાધીઓ યુવાન મહિલા અને છોકરીઓ વિરુદ્ધ ગુના આચરી છૂટી જવાનો ભારે વિશ્વાસ ધરાવે છે. આ આંકડાની સાથે જ ક્રાઈમ સર્વે ફોર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સનું એનાલીસિસ પણ પ્રસિદ્ધ કરાયું હતું.


