લંડનઃ કોરોના વાઈરસ મહામારીએ કેટલાક લોકોને નોકરીવિહોણા બનાવી દીધા અને મોર્ગેજીસના હપ્તા ભરવાનું મુલતવી રાખવું પડ્યું તો કેટલાક લોકોએ નોંધપાત્ર પ્રમાણમાં બચત પણ કરી છે. શેરબજારોનું પતન, આસમાને પહોંચેલી બેરોજગારી, લાખો લોકો દ્વારા મુલતવી રખાયેલી મોર્ગેજની ચૂકવણી, હાઉસિંગ માર્કેટની તેજી અને સેવિંગ્સ એકાઉન્ટ્સમાં ભારે બચતો સહિતના મુદ્દે આ વર્ષ કદાચ સૌથી વિચિત્ર બની રહ્યું હતું.
• ત્રણમાંથી એક પરિવારે આવક ગુમાવીઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વિશ્લેષણ મુજબ મહામારી દરમિયાન ૨૮ ટકા પરિવારે આવક ગુમાવી હતી જ્યારે સ્વરોજગારીમાં પ્રમાણ વધીને ૬૬ ટકા થયું હતું. બેરોજગારીનું પ્રમાણ વધીને ૪.૯ ટકાએ પહોંચ્યું હતું. ખર્ચમાં ઘણો ઘટાડો થયો હતો. બેન્કનો અંદાજ છે કે મહામારીના શરુઆતના મહિનાઓમાં ૫૭ ટકા પરિવારોએ તેમના ખર્ચામાં કાપ મૂક્યો હતો. નવેમ્બરની મધ્ય સુધીમાં સરકારની સપોર્ટ સ્કીમ્સ અન્વયે કુલ ૯.૬ મિલિયન નોકરીઓ ફર્લો હેઠળ મૂકાઈ હતી જેની પાછળ ૪૩ બિલિયન પાઉન્ડનો ખર્ચ થયો હતો. જોસેફ રોવનટ્રી ફાઉન્ડેશન અનુસાર ૨ મિલિયન પરિવારોએ ખાવા અને શરીરને હુંફાળું રાખવા સંઘર્ષ કરવો પડશે તેની સાથે ગરીબીનું પ્રમાણ બમણું થવાની શક્યતા છે.
• સંખ્યાબંધ પરિવારો વધુ ધનવાન બન્યાઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો ડેટા એમ પણ કહે છે કે ૮ ટકા પરિવારોની કમાણીમાં વધારો થયો હતો જ્યારે લોકડાઉનના ખરાબ સંજોગોમાં પણ ૬૫ ટકા પરિવારોની કમાણી યથાવત રહી હતી. મોટા ભાગના પરિવારો સામાન્ય સંજોગોની સરખામણીએ આવક ખર્ચવાના માર્ગ ઓછાં હતાં આથી તેમની રોકડ રકમો બેન્કખાતામાં એકત્ર થતી ગઈ હતી. યુકેનો સેવિંગ રેશિયો એપ્રિલ અને જૂનના ગાળામાં વધીને ૨૯ ટકા થયો હતો જે ગયા વર્ષના આ જ સમયગાળામાં ૬.૮ ટકા હતો. બેન્કના ચીફ ઈકોનોમિસ્ટ એન્ડી હાલ્ડેન અનુસાર મહામારીના ગાળામાં વધારાની બચત આશરે ૧૦૦ બિલિયન પાઉન્ડ જેટલી હતી.
• બચતો પરનું લગભગ અદૃશ્યઃ સેવિંગ્સ એકાઉન્ટ્સ પર મળતું થોડુંઘણું વ્યાજ લગભગ અદૃશ્ય જ થયું છે. વર્ષ ૨૦૨૦ના આરંભે તત્કાળ સુવિધા એકાઉન્ટ્સ પર સરેરાશ ૦.૪૬ ટકા વ્યાજ મળતું હતું તે ઓક્ટોબર સુધીમાં ઘટીને ૦.૧૨ ટકા થયું હોવાનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ કહે છે. ઉપાડી લેવા માટે પેનલ્ટી સહિતની લાંબા ગાળાની ડિપોઝીટ્સ માટે સરેરાશ ૦.૯૫ ટકા વ્યાજ હતું તે ઘટીને ૦.૫૫ ટકા થયું હતું. સરકારી પીઠબળ સાથેના નેશનલ સેવિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ દ્વારા તેના ૨૫ મિલિયન ગ્રાહકો માટે નવેમ્બરમાં વ્યાજદર તદ્દન ઘટાડી દેવાયા હતા. ડાયરેક્ટ સેવર એકાઉન્ટમાં વ્યાજ ૧ ટકાથી ઘટી માત્ર ૦.૧૫ ટકા અને ઈન્કમ બોન્ડ્સમાં વ્યાજ ૧.૧૫ ટકાથી ઘટી માત્ર ૦.૦૧ ટકા થયું હતું. એકુન્ટમાં ૧,૦૦૦ પાઉન્ડની બચત હોય તો એક વર્ષ પછી ૧૦pનું કુલ વ્યાજ મળે અને ૨૦ કરતાં વધુ વર્ષમાં તમને એક કપ કોફી પી શકાય તેટલું વ્યાજ મળી શકે.
• શેરબજારોમાં કડાકા અને પેન્શન પોટને અસરઃ વર્ષના પાછળના ભાગમાં વેક્સિનના કારણે શેર્સની કિંમતમાં સુધારો થવાં છતાં, લંડન સ્ટોક માર્કેટમાં ૨ જાન્યુઆરીએ મોટી કંપનીઓનો FTSE 100 ઈન્ડેક્સ ૭,૬૦૪ ખુલ્યો હતો અને ૨૩ માર્ચે ઘટીને ૪,૯૯૩ થયો અને ડિસેમ્બરમાં વધીને પાછો ૬,૫૦૦ થયો હતો.
શેરબજારોમાં ધોવાણ થયું તે રીતે પેન્શન વેલ્યુમાં ઘટાડો થયો નથી. નુકસાન થયા પછી સુધારો પણ જોવા મળ્યો હતો. જો મોટા ભાગે ઓછી અને મધ્યમ આવક ધરાવતા ૯.૩ મિલિયન વર્કર્સ માટે યુકે વર્કપ્લેસ પેન્શન Nest નું ઉદાહરણ લઈએ તો ગયા વર્ષે તેની વેલ્યુમાં ૧૦.૩ ટકાથી વધુ વધારો થયો હતો. તેના માત્ર અડધા નાણાનું રોકાણ એપલ અને ગૂગલ જેવી અમેરિકી ટેક કંપનીઓ તેમજ કોરિયાના સેમસંગ અને ચીનની અલીબાબા જેવી કંપનીઓમાં કર્યું હતું.
• દુકાનોમાં ભાવો માત્ર ૦.૩ ટકા વધ્યાઃ નવેમ્બર મહિનામાં ફૂડ, નોન-આલ્કોહોલિક પીણાં અને ક્લોધિંગ્સ પર મળેલાં ડિસ્કાઉન્ટ્સથી ઈન્ફ્લેશનનો વાર્ષિક દર માત્ર ૦.૩ ટકા નીચે લાવવામાં મદદ મળી છે પરંતુ, પેટ્રોલની કિંમતોમાં ભારે ઘટાડાની મોટી અસર રહી. એક લીટર પેટ્રોલની સરેરાશ કિંમત ૧૧૨.૬ પેન્સ જેટલી નીચે ઉતરી ગઈ હતી. ગયા વર્ષે આ કિંમત ૧૨૫.૫ પેન્સ હતી. ડિઝલની કિંમત પણ ૧૩૦.૩ પેન્સથી ઘટીને ૧૧૭.૪ પેન્સ થઈ હતી.
• રોકડ વ્યવહાર લગભગ બંધઃ આ વર્ષે કોન્ટેક્ટલેસનું નવું નોર્મલ જોવા મળ્યું હતુ. ૫૬ ટકા ડેબિટ કાર્ડ પેમેન્ટ્સ જોવાં મળ્યા છે. સમગ્ર વિશ્વમાં કેશના બદલે ડિજિટલ વ્યવહારનું ચલણ વધી ગયું છે. યુકેમાં પ્રથમ લોકડાઉનના ગાળામાં મસીન્સમાંથી રોકડ રકમો કાઢવાનું ૬૦ ટકા ઘટ્યું હતું. હવે તમામ વ્યવહારોમાં રોકડનું પ્રમાણ ૨૦થી ૨૫ ટકાનું જ રહ્યું હતું, જે વર્તમાન સદીના આરંભે ૭૫ ટકા જેટલું હતું.
• કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં ઘટાડોઃ પ્રથમ લોકડાઉન દરમિયાન કાર ઈન્સ્યોરન્સના ક્લેઈમની સંખ્યા અડધોઅડધ ઘટી ગઈ અને બાકીના વર્ષ દરમિયાન નીચી જ રહી. કેટલાક કાર ઈન્સ્યોરરે ગ્રાહકોને થોડું વળતર આપ્યું પરંતુ, સરેરાશ કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમ માત્ર ૬ ટકા જેટલું જ નીચે ગયું હતું.
• ટોઈલેટ પેપર જ નહિ, સોફા અને બાઈક પણ ખરીદાયાઃ લોકડાઉનના પ્રથમ તબક્કામાં સુપપરમાર્કેટ્સમાં ટોઈલેટ પેપર્સની અભરાઈઓ ખાલી થઈ ગઈ હતી પરંતુ, હાલત સુધરવા સાથે કામકાજ કે નોકરીઓમાં જળવાયેલા નસીબદાર લોકોએ ખર્ચા કરવાની શરુઆત કરી હતી. આ ખર્ચાઓમાં સોફા અને બાઈક્સની ખરીદી મુખ્ય હતી. હેલફોર્ડ્સ ખાતે સાઈકલનું વેચાણ ઓક્ટોબર સુધીમાં ૫૪ ટકા વધ્યું હતું.

