લંડનઃ યુરોપિયન યુનિયનમાં રહેવું કે નહિ તેનો નિર્ણય લેવા ૨૩ જૂને રેફરન્ડમ યોજાનાર છે ત્યારે ૨૨ માર્ચે પાર્લામેન્ટ ઈવેન્ટમાં સાંસદો અને ઉમરાવો સમક્ષ લોન્ચ કરાયેલા સર્વે રિપોર્ટ અનુસાર બહુમતી શીખો ઈયુમાં જ રહેવા માગે છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે ૫૭ ટકા બ્રિટિશ શીખ ઈયુમાં રહેવા માગે છે, જ્યારે ૧૨ ટકા શીખ ઈયુ છોડવા માગે છે અને ૩૧ ટકા શીખ આ મુદ્દે અનિર્ણાયક છે. બ્રિટિશ શીખ પ્રોફેશનલ્સ અને વિદ્વાનોના સમૂહ દ્વારા સંપાદિત બ્રિટિશ શીખ રિપોર્ટ (BSR) આ પ્રકારનો એક માત્ર ડોક્યુમેન્ટ છે.
મોજણીમાં સ્વતંત્ર ટીમ દ્વારા તૈયાર ઓનલાઈન પ્રશ્નાવલિમાં શીખ વસ્તીને સંબંધિત સામાજિક અને કોમ્યુનિટી આધારિત મુદ્દાઓ સમાવાયા હતા. રિપોર્ટ માટે ૧,૪૦૦થી વધુ શીખની મોજણી પછી શૈક્ષણિક સંસ્થાઓ, થર્ડ સેક્ટર સંગઠનો અને વિવિધ કોર્પોરેશન્સને વધુ પ્રશ્નો પર અભિપ્રાય આપવા જણાવાયું હતું. આ પછી, વ્યાપક શીખ વસ્તીમાં તેનો પ્રસાર કરાયો હતો.
BSRના તારણોમાં જણાયું કે શીખોનું નાગરિક પ્રદાન અપ્રતિમ છે. બ્રિટિશ શીખ કોમ્યુનિટી દર વર્ષે ૧૨૫ મિલિયન પાઉન્ડનું દાન કરે છે અને વાર્ષિક ૬૫ મિલિયન કલાકની સ્વૈચ્છિક સેવા આપે છે. પાંચમાંથી ચાર એટલે કે ૮૦ ટકા શીખ માટે જ્ઞાતિનું ખાસ મહત્ત્વ નથી, જ્યારે લગભગ ૬૦ ટકા બ્રિટિશ શીખ માને છે કે ઈમિગ્રન્ટ્સ સમાજમાં રચનાત્મક પ્રદાન આપે છે. જોકે, બે તૃતીઆંશથી વધુ શીખોએ ઈયુ માઈગ્રન્ટ્સને બ્રિટિશ વેલ્ફેર બેનિફિટ્સ મર્યાદિત રાખવાની તરફેણ કરી હતી. સિટી શીખ નેટવર્કના અધ્યક્ષ જસવીર સિંહે એક લેખમાં બ્રિટને ઈયુમાં રહેવું જોઈએ તે વિશે જોરદાર તરફેણ કરી હતી.


