લંડનઃ વૃદ્ધોમાં બહેરાશની સમસ્યાના 30 ટકા કેસ ડિમેન્સિયા સાથે સંકળાયેલા હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર આવા કિસ્સાઓમાં તાત્કાલિક સારવાર લેવા અને હિયરિંગ એઇડનો ઉપયોગ કરવાથી ડિમેન્સિયાને વિલંબિત કરી શકાય છે. અભ્યાસમાં સામેલ કરાયેલા સરેરાશ 74.9નું આયુ ધરાવતા 2946 લોકો પૈકીના 1947 કોઇને કોઇ પ્રકારની બહેરાશથી પીડાતા હતા.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, બહેરાશની સારવારને કારણે મોટી સંખ્યામાં વૃદ્ધોને ડિમેન્સિયાનો વહેલો શિકાર બનતાં અટકાવી શકાય છે. બહેરાશની સારવાર માટેના જાહેર આરોગ્યના પગલાં ડિમેન્સિયા અટકાવવામાં મદદરૂપ બની શકે છે. આ સમસ્યા અશ્વેતો કરતાં શ્વેતોમાં વધુ જોવા મળી રહી છે.
અગાઉ હાથ ધરાયેલા અભ્યાસોમાં પણ તારણ આપવામાં આવ્યું હતું કે, બહેરાશની સારવારના કારણે ડિમેન્સિયાને 3 વર્ષ સુધી વિલંબિત કરવામાં 48 ટકા સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
સંશોધકો કહે છે કે કેવા પ્રકારની બહેરાશ ડિમેન્સિયાની સંભાવના વધારે છે તેની ઓળખ થઇ શકી નથી પરંતુ સાંભળવામાં સંઘર્ષના કારણે મગજ પરનો બોજો વધે છે. તેના કારણે સામાજિક સંપર્કોમાં પણ ઘટાડો થાય છે. તેના કારણે મગજની કામગીરીમાં પણ બદલાવ આવે છે.
આમ ડિમેન્સિયાને વિલંબિત કરવા માટે બહેરાશની સારવાર અસરકારક માર્ગ છે.