લંડનઃ બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા યુકેમાં લેબર સાંસદ અને પૂર્વ મિનિસ્ટર તુલિપ સિદ્દિકને તેમની ગેરહાજરીમાં જ ચાલેલી કેસની સુનાવણીમાં બે વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના પરા વિસ્તારમાં જમીનનો પ્લોટ મેળવવા માટે તત્કાલિન વડાં પ્રધાન અને માસી શેખ હસીનાના પ્રભાવનો ઉપયોગ કરવા માટે સિદ્દિકને દોષી ઠેરવાયાં છે. લંડનમાં રહેતા હેમ્પસ્ટેડ એન્ડ હાઇગેટના સાંસદ તુલિપ સિદ્દિકે તેમના પર મુકાયેલા તમામ આરોપ નકારી કાઢ્યાં હતાં.
શેખ હસીનાને પદભ્રષ્ટ કરાયા બાદ બાંગ્લાદેશની રખેવાળ સરકાર દ્વારા તેમના પરિવારજનો અને સહયોગીઓ સામે સંખ્યાબંધ કેસ દાખલ કરાયા હતા. તાજેતરમાં જ શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. હાલ તેઓ ભારતમાં આશ્રય લઇ રહ્યાં છે. સિદ્દિક પર તેમની માતા રેહાના, બહેન અઝમીના અને ભાઇ રાદવાન માટે ઢાકામાં શેખ હસીનાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને પ્લોટ મેળવવાનો આરોપ હતો.
બાંગ્લાદેશ એન્ટી કરપ્શન કમિશનના વકીલે જણાવ્યું હતું કે, સિદ્દિક સામે બાંગ્લાદેશી નાગરિક તરીકે જ ખટલો ચલાવવામાં આવ્યો છે. સિદ્દિક બાંગ્લાદેશી પાસપોર્ટ, ઓળખપત્ર અને ટેક્સ નંબર પણ ધરાવતા હતા. સિદ્દિકને જજ રબિઉલ આલમ દ્વારા બે વર્ષની કેદ અને 1,00,000 બાંગ્લાદેશી તાકા (620 પાઉન્ડ)નો દંડ ફટકારવામાં આવ્યો છે.


