બાંગ્લાદેશમાં હિન્દુ નરસંહારના વિરોધમાં પાર્લામેન્ટ સામે વિરોધ પ્રદર્શન

બેંગાલી હિન્દુ આદર્શ સંઘ યુકે, ઇનસાઇટ યુકે, હિન્દુ કાઉન્સિલ યુકે સહિતના વિવિધ સંગઠનો સામેલ થયાં, હિન્દુ અને મંદિરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, મૃતક હિન્દુઓને ન્યાય અપાવવા સ્ટાર્મર સરકારના હસ્તક્ષેપની માગ

Tuesday 27th January 2026 09:13 EST
 
 

લંડનઃ બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહારને અટકાવવા સ્ટાર્મર સરકારના હસ્તક્ષેપની માગ સાથે 21 જાન્યુઆરીના રોજ સેંકડો બ્રિટિશ ભારતીય અને બાંગ્લાદેશી મૂળના હિન્દુઓએ લંડનમાં સંસદભવન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ મુહમ્મદ યુનુસને અપાયેલ નોબેલ શાંતિ પુરસ્કાર પરત લેવા, હિન્દુ  સાધુ ચિન્મય પ્રભુને મુક્ત કરવા, મંદિરોને સુરક્ષા પૂરી પાડવા અને મૃતક હિન્દુઓને ન્યાય અપાવવા સ્ટાર્મર સરકારના હસ્તક્ષેપની માગ કરી હતી.

વિરોધ પ્રદર્શનમાં બેંગાલી હિન્દુ આદર્શ સંઘ યુકે, ઇનસાઇટ યુકે, હિન્દુ કાઉન્સિલ યુકે સહિતના વિવિધ સંગઠનો સામેલ થયાં હતાં. હિન્દુ કાઉન્સિલ યુકેએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં દરરોજ હિન્દુઓની હત્યા થઇ રહી છે. તેમના પર ઇશનિંદાના ખોટા આરોપ મઢવામાં આવી રહ્યાં છે. અમે ફોરેન સેક્રેટરી કૂપરને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરીએ છીએ.

ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોના લોકોની હત્યા, તેમની સતામણી, તેમના વિરુદ્ધની હિંસા અને બળાત્કારો સામે જાગૃતિ ફેલાવવા આ પ્રદર્શનનું આયોજન કરાયું છે.

આ પ્રસંગે હાજર રહેલા લેબર સાંસદ લૂક મર્ફીએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની થઇ રહેલી હત્યાઓ અને સતામણીથી પરેશાન મારા ઘણા મતદારોએ મારો સંપર્ક કર્યો છે. મેં આ મામલો ફોરેન ઓફિસ અને પાર્લામેન્ટ સમક્ષ પણ ઉઠાવ્યો હતો. લેબર સરકાર આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે અ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બાંગ્લાદેશ સરકાર પર દબાણ કરી રહી છે.

પૂર્વ લેબર સાંસદ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, હું બાંગ્લાદેશમાં લઘુમતીઓના હિતોની સુરક્ષા માટે સરકાર અને માનવ અધિકાર માટે કામ કરતા તમામ સંગઠનોને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરું છું જેથી હિન્દુઓની હત્યા અટકે અને પુનરાવર્તન ન થાય. તેમને પણ વાણી સ્વાતંત્ર્ય અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. બ્રિટિશ સરકારે લંડન સ્થિત બાંગ્લાદેશ હાઇ કમિશન સમક્ષ આ મુદ્દે આકરો વિરોધ નોંધાવી સ્પષ્ટ સંદેશ આપવો જોઇએ કે હિન્દુઓની હત્યાને સાંખી લેવાશે નહીં.

વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર બાંગ્લાદેશ હિન્દુ એસોસિએશન (યુકે)ના જનરલ સેક્રેટરી અલક ચંદાએ જણાવ્યું હતું કે, 1947માં બાંગ્લાદેશમાં હિન્દુઓની વસતી 30થી 40 ટકા હતી જે આજે ઘટીને 7 ટકા પર આવી ગઇ છે. જ્યારથી મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર આવી છે ત્યારથી બાંગ્લાદેશમાં વાણી સ્વાતંત્ર અને માનવ અધિકાર જેવું કશું રહ્યું નથી. કાયદો અને વ્યવસ્થા તળિયે બેઠી છે. અમે બ્રિટનને પગલાં લેવા અપીલ કરીએ છીએ. શા માટે બ્રિટન યુનુસ સરકાર પર દબાણ કરતી નથી.

2004માં અનામિકા દેવના પિતાની બાંગ્લાદેશમાં હત્યા કરાઇ હતી. અનામિકાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓને ન્યાય મળતો નથી. આ નરસંહાર છે. અમારે ન્યાય જોઇએ છે અને બ્રિટને હિન્દુઓને બચાવવા બાંગ્લાદેશ પર દબાણ કરવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter