લંડનઃ સાંસદો પ્રીતિ પટેલ અને બેરી ગાર્ડિનરે હાઉસ ઓફ કોમન્સમાં સોમવારે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિન્દુ વિરોધી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બ્રેન્ટ વેસ્ટના લેબર સાંસદ ગાર્ડિનરે ફોરેન સેક્રેટરીને બાંગ્લાદેશની સ્થિતિ અને તાજેતરમાં હિન્દુ સમુદાય પર થઇ રહેલા હુમલાઓ અંગે સંસદમાં નિવેદન આપવાની અપીલ કરી હતી.
વિધામના કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આ મામલો ઉઠાવતાં સવાલ કર્યો હતો કે સરકાર આ મુદ્દા પર બાંગ્લાદેશની સરકાર સામે કેવા પ્રકારના પગલાં લઇ રહી છે. બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા આચરવામાં આવી રહી છે અને સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ઘણા વિસ્તારોમાં બેફામ હિંસા આચરવામાં આવી રહી છે. આપણે તે આઘાત અને ભય સાથે જોઇ રહ્યાં છીએ.
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, હિન્દુ વિરોધી હિંસાના મુદ્દે યુકેની સરકાર બાંગ્લાદેશ સરકાર સાથે કેવા પ્રકારની વાતચીત ચાલી રહી છે તેની માહિતી મંત્રીએ આપવી જોઇએ. શું સરકાર જીવનો બચાવવા, હિંસા અટકાવવા અને ધાર્મિક આસ્થા માટેની સહિષ્ણુતા માટે કામ કરી રહી છે. બાંગ્લાદેશમાં ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા અગાઉની સરકારે કરેલી કામગીરી પર નવી સરકાર કેવા પ્રયાસ કરી રહી છે. બાંગ્લાદેશમાં શાંતિની સ્થાપના માટે સરકાર આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને શું કામ કરી રહી છે તેની માહિતી આપે.
પ્રીતિ પટેલે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં પ્રવર્તમાન અસ્થિરતા અને આ બેફામ હિંસા ચિંતાનો વિષય છે. તમામ અસરગ્રસ્તો સાથે મારી સહાનુભૂતિ છે. ધાર્મિક સ્થળોને લક્ષ્યાંક બનાવવા અમાનવીયતા છે અને હું જાણું છું કે ઘણા હિન્દુ અત્યારે ભયભીત અવસ્થામાં હશે. બાંગ્લાદેશની સરકારે જીવનોની સુરક્ષા કરવા, હિંસા અટકાવવા અને સ્વતંત્રતાને સુરક્ષિત રાખવા કડક હાથે કામ લેવું જોઇ. મેં યુકે સરકારને પણ આ મામલામાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે.
ગાર્ડિનરે ઓગસ્ટ મહિનાથી બાંગ્લાદેશમાં સર્જાયેલી સ્થિતિનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ હિંસક ઘટનાઓ બની ચૂકી છે જેમાં મુખ્યત્વે હિન્દુ લઘુમતી સમુદાયને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યો છે. પ્રતિબંધિત જમાત એ ઇસ્લામી સહિતના કટ્ટરવાદી સંગઠનો મંદિરો અને હિન્દુઓના ઘરો પર હુમલા કરી રહ્યાં છે પરંતુ ત્યાંની સરકાર આંખ મિંચામણા કરી રહી છે. ગાર્ડિનરે ઇસ્કોનના સાધુ ચિન્મય ક્રિશ્ના દાસની ધરપકડનો ઉલ્લેખ કરતાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બાંગ્લાદેશની સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માગ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. યુકેની સરકાર બાંગ્લાદેશની સરકાર અને ભારતીય ઉપખંડના અન્ય ભાગીદાર દેશો દ્વારા બાંગ્લાદેશમાં પ્રવર્તતા તણાવને ઘટાડવા કામ કરે જેથી કાયદાનું શાસન લાગુ થાય અને શાંતિ સ્થાપિત થાય.
અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન કેથેરાઇન વેસ્ટે ગાર્ડિનરના સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશમાં લઘુમતી સમુદાયોને સહાય ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. ચીફ એડવાઇઝર સાથેની મુલાકાતમાં મેં બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. તેમાં બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓના સંરક્ષણના મહત્વનો પણ સમાવેશ થતો હતો. યુકે સરકાર બાંગ્લાદેશમાં ધાર્મિક સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્યનું સમર્થન કરે છે.
વેસ્ટે જણાવ્યું હતું કે, યુકે સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હિન્દુ સમુદાયને અસર કરી રહેલી પરિસ્થિતિ પર અમે બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.


