લંડનઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં સમગ્ર યુકેના શહેરોમાં બ્રિટિશ હિન્દુ સમુદાય દ્વારા એકતા અને પ્રતિબદ્ધતાનું શક્તિશાળી પ્રદર્શન કરાયું હતું. લંડન, બર્મિંગહામ અને માન્ચેસ્ટરમાં આયોજિત શાંતિપૂર્ણ પ્રદર્શનમાં બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા માટે અપીલ કરી હતી.
લંડનમાં વેસ્ટમિન્સ્ટર ખાતે હિન્દુ સમુદાયના 600 કરતાં વધુ લોકોએ બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે હિન્દુઓનો હત્યાકાંડ અટકાવવા અને બ્રિટિશ સરકારના હસ્તક્ષેપની પણ માગ કરી હતી.
માન્ચેસ્ટરમાં પણ બ્રિટિશ હિન્દુઓએ બ્રિટન અને ભારતની સરકારોને હસ્તક્ષેપની સમાન અપીલ કરતાં વિશ્વના મીડિયાને પણ આ ગંભીર સ્થિતિનું કવરેજ કરવા આહવાન કર્યું હતું. બ્રિટનમાં સંસદની સામે બંગાળી સહિતના ભારતીય હિન્દુઓ, ઇસ્કોનના સંત સમાજ અને અન્ય હિન્દુ ભક્તોએ ન્યાયની માગ સાથે પ્રદર્શન કર્યું હતું. તસવીરમાં એક હિન્દુ માતા પોતાના બાળકના હૈયા પર હાથ રાખીને તેના ભવિષ્ય માટે ચિંતા પ્રદર્શિત કરી રહી છે.


