લંડનઃ બાંગ્લાદેશમાં તાજેતરમાં કરાયેલી હિન્દુઓની હત્યાને યુકેની સરકારે પહેલીવાર વખોડી છે. વ્હાઇટહોલના સૂત્રોના જણાવ્યા અનુસાર યુકેની સરકાર દીપુ ચંદ્રા દાસ અને અમૃત મોંડલની હત્યાને વખોડી કાઢે છે અને તેમના પરિવારો તથા મિત્રોને સાંત્વના પાઠવે છે.
સરકારે જણાવ્યું હતું કે, દાસના કેસમાં કરાયેલી 12 ધરપકડને અમે આવકારીએ છીએ. મોહમ્મદ યુનુસે લઘુમતી સમુદાયોની સુરક્ષા માટે જાહેરમાં આપેલા વચનોને આવકારીએ છીએ. યુકે ધાર્મિક સ્વતંત્રતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે બાંગ્લાદેશની સરકાર સમક્ષ લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.
સરકારે જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે બાંગ્લાદેશમાં ચૂંટણી પ્રચાર શાંતિપૂર્ણ બની રહે. અમે બાંગ્લાદેશની સરકારને માનવ અધિકારોની સુરક્ષા માટે સહાય કરતા રહીશું.
યુકે સરકાર દ્વારા પહેલીવાર બાંગ્લાદેશમાં આચરાતી હિન્દુ વિરોધી હિંસાને વખોડવામાં આવી છે. અત્યાર સુધી યુકેની સરકાર ખાલિસ્તાની તત્વો સામે પણ પગલાં લેતાં ખચકાતી હતી પરંતુ થોડા સપ્તાહ પહેલાં ખાલિસ્તાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિ અને સંગઠન પર આર્થિક પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. આમ યુકે સરકાર હવે ભારત અને હિન્દુઓને કનડતા પરિબળોનો વિરોધ કરવાની પહેલ કરવા લાગી છે તે આવકાર્ય બાબત છે.


