બાઈડને ૩૧ ઓગસ્ટની ડેડલાઈન લંબાવવા G7ની વિનંતી ફગાવી

Wednesday 25th August 2021 04:24 EDT
 

લંડન, વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડને અફઘાનિસ્તાનમાંથી સ્થળાંતરને ૩૧ ઓગસ્ટથી આગળ લંબાવવાની G7 નેતાઓની વિનંતી ફગાવી દીધી છે. આના પરિણામે અપમાનજનક પરિસ્થિતિમાં મૂકાયેલા બોરિસ જ્હોન્સને ડેડલાઈન પછી પણ લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર જવા દેવાનું ચાલુ રાખવા તાલિબાનને વિનંતી કરવી પડી છે. તાલિબાને સ્પષ્ટ કર્યું જ છે કે તેઓ ૩૧ ઓગસ્ટ પછી દળોની વાપસીમાં કોઈ વિલંબને સાંખી લેશે નહિ.

બોરિસ જ્હોન્સન, ઈમાન્યુએલ મેક્રોં અને એન્જેલા મર્કેલે વર્ચ્યુઅલ બેઠકમાં યુએસ પ્રમુખ બાઈડનને અમેરિકી દળોને પાછા બોલાવી લેવાની ૩૧ ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવા વિનંતી કરી હતી. બીજી તરફ, વ્હાઈટ હાઉસના સૂત્રોએ જણાવ્યા મુજબ મિશનની ટાઈમલાઈનમાં કોઈ ફેરફાર નહિ કરવાના પેન્ટાગોનના વલણ સાથે જો બાઈડેન સંમત થયા હતા. અગાઉ, બાઈડન અને જ્હોન્સને સોમવારે રાત્રે ફોન પર ઈવેક્યુએશનની ચર્ચા કરી હતી પરંતુ, કોઈ પ્રગતિ સધાઈ ન હતી.

અપમાનિત જ્હોન્સને G7 બેઠક પછી જણાવ્યું હતું કે યુકે છેલ્લી ઘડી સુધી અફઘાનિસ્તાનમાંથી એરલિફ્ટ કામગીરી ચાલુ રાખશે અને તેમણે ડેડલાઈન પછી પણ લોકોને દેશ છોડવા દેવા તાલિબાનને વિનંતી કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે G7 દેશો પ્રતિબંધોની ધમકી સાથે તાલિબાન પર દબાણ કરવાની સ્થિતિમાં છે. જો પશ્ચિમની અપેક્ષાઓ સંતોષાશે તો જ અફઘાનિસ્તાનને ભવિષ્યમાં ભંડોળ મળી શકશે. તાલિબાને ધમકી આપી છે કે જો ડેડલાઈન પછી દેશમાં રહી પડવાનો પ્રયાસ કરાશે તો કોઈને પણ બહાર જવા દેવાશે નહિ. નિશ્ચિત તારીખ પહેલા જ તમામ લોકોને બહાર ખસેડી લેવાના રહેશે. આ પછી તેમને પરવાનગી નહિ અપાય. અમારું વલણ બદલાઈ જશે.

રોઈટરના અહેવાલ મુજબ પેન્ટાગોને પ્રમુખ બાઈડેનને જણાવ્યું હતું કે જો તાલિબાનની વિરુદ્ધ જશો તો અમેરિકન દળો સામેનું જોખમ ઘણું વધી જશે. દળોએ માનવતાવાદી ઓપરેશન પડતું મૂકી પોતાના એક્ઝિટ પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter