બાઈડેને પોત પ્રકાશ્યું, આવતા વેંત બોરિસને કડક ઠપકો આપ્યો

Wednesday 16th June 2021 06:10 EDT
 
 

લંડનઃ યુએસ પ્રમુખ જો બાઈડેને જી-૭ બેઠક માટે યુકે આવતાની સાથે જ નોર્ધન આયર્લેન્ડમાં તંગદિલી સર્જવા અને ઈયુ ‘સોસેજ વોર’ મુદ્દે શાંતિપ્રક્રિયાને નુકસાન પહોંચાડતા યુકેના વલણ અંગે બોરિસ જ્હોન્સનને કડક ઠપકો આપ્યો હતો. બાઈડેને બ્રિટિશ સરકારને કડક ભાષામાં રાજદ્વારી ઠપકો મોકલવા પોતાના અધિકારીઓને આદેશ આપ્યો હતો.

બ્રિટન અને બ્રસેલ્સ વચ્ચે સોસેજની આયાત મુદ્દે મહત્ત્વપૂર્ણ વાટાઘાટો નિષ્ફળ ગઈ છે ત્યારે અમેરિકી પ્રમુખનો ઠપકો આવી પડ્યો છે. પ્રમુખ બાઈડેને યુકેને શાંતિ જાળવી બિનલોકપ્રિય સમાધાનો કરવા પડે તે પણ કરીને ઈયુ સાથે સમજૂતી કરી લેવાની સલાહ આપી છે. તેમણે આડકતરી રીતે યુકે સાથે ભાવિ વેપારસોદાની શક્યતા પર જોખમ હોવાની ધમકી પણ આપી હતી. બ્રિટન નોર્ધર્ન આઈરિશ પોર્ટ્સ પર ચેકિંગનો સતત વિરોધ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ઈયુ એગ્રીકલ્ચરલ નિયમોને વળગી રહેવાની માગણીઓ યુકે સ્વીકારી લેશે તેનો અર્થ બ્રિટન સાથે યુએસના ભાવિ મુક્ત વેપારસોદાની શક્યતાને નકારાત્મક અસર પહોંચવાનો નથી.

બાઈડેને પ્રમુખ તરીકે તેમનો પ્રથમ પ્રવાસ શરુ કર્યો છે અને તેઓ આઠ દિવસ યુરોપમાં રહેશે. ક્વીન, બોરિસ જ્હોન્સન અને તેમની નવી પત્ની કેરી, જી-૭ના નેતાઓ, બ્રસેલ્સમાં નાટોના સત્તાવાળાઓ અને છેલ્લે ૧૬ જૂને જીનિવામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બેઠકો યોજી યુએસ પરત ફરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter