લંડનઃ વણચૂકવાયેલા 4.3 બિલિયન પાઉન્ડના ટેક્સીસની વસૂલાત કરવા રેવન્યુ અને કસ્ટમ વિભાગ (HMRC) પ્રાઈવેટ સેક્ટરના ડેટ કલેક્ટર્સની મદદ લેશે. ચાન્સેલર જેરેમી હન્ટે બજેટમાં રજૂ કરેલી દરખાસ્ત અનુસાર વ્યક્તિઓ અને કંપનીઓ પાસેથી બાકીના ટેક્સીસની વસૂલાત કરવા ખાનગી ડેટ કલેક્શન એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાશે.
આ યોજના આગામી મહિનાથી શરૂ કરાશે. પહેલા વર્ષમાં 240 મિલિયન પાઉન્ડ બાકી ટેક્સ વસૂલાશે અને 2025-2026માં વધીને 895 મિલિયન પાઉન્ડ થશે. આ કામગીરી માટે વધારાનું 140 મિલિયન પાઉન્ડ ભંડોળ ફાળવાશે. તાજેતરમાં OBR દ્વારા જણાવાયું હતું કે વસૂલાત કરવાને પાત્ર ટેક્સની રકમ ચાર વર્ષમાં બમણી થઈ છે. HMRC ની ગણતરી મુજબ તેને આશરે 120 બિલિયન પાઉન્ડ વસૂલ કરવાના નીકળે છે જે મહામારી અગાઉની બાકી રકમ 50 બિલિયન પાઉન્ડથી બમણાં કરતાં વધુ છે. દરેક લોકો તેમનો બાકીનો ટેક્સ ચૂકવશે તો વસૂલ કરાયેલી ટેક્સની રકમ 4.5 બિલિયન પાઉન્ડથી પણ વધશે.

