બાફ્ટા ખાતે મણિપુરી ફિલ્મ બૂંગને બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરાઇ

Tuesday 24th February 2026 11:58 EST
 
 

લંડનઃ 79મા બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સમાં મણિપુરી ભાષાની ફિલ્મ બૂંગને બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરાઇ હતી. બોલિવૂડના નિર્માતા, નિર્દેશક, અભિનેતા ફરહાન અખ્તરની સહાયથી બનેલી આ ફિલ્મે ભારતીય સિનેમાને ગૌરવ અપાવ્યું છે. લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં આયોજિત સમારોહમાં ફિલ્મના દિગ્દર્શક લક્ષ્મીપ્રિયા દેવી અને નિર્માતાઓ રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને એલન મેકએલેક્સે આ સન્માન સ્વીકાર્યું હતું. આ ફિલ્મ સામાજિક અને રાજકીય તણાવના સમયગાળા દરમિયાન મણિપુરમાં ઘટેલી ઘટનાની  ભાવનાત્મક વાત રજૂ કરે છે. મણિપુરી ભાષામાં બૂંગનો અર્થ નાનો છોકરો થાય છે.  

ભારતીય સિનેમા જગતના હી-મેન ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અપાઇ

બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ સમારોહ ખાતે મેમોરિયમ સેગમેન્ટમાં ભારતના પ્રસિદ્ધ અભિનેતા સ્વ. ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. જેસી વેરે ગયા વર્ષ દરમિયાન વિશ્વને અલવિદા કહી ચૂકેલા ફિલ્મ જગતના મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપતાં બાર્બરા સ્ટ્રિસેન્ડનું ધ વે વી વેર ગીત રજૂ કર્યું હતું. ધર્મેન્દ્રની સાથેસાથે ડિયાન કીટોન, ટેરેન્સ સ્ટેમ્પ., કેથરિન ઓહર, રોબ રેઇનર, જિન હેકમેન, ટેરેન્સ સ્ટેમ્પ, રોબર્ટ દુવાલ, ટોમ સ્ટોપાર્ડ, બ્રિજિટ બાર્ડોટ, લાલો શિફ્રિન, માઇકલ મેડસેન અને વાલ કિલમ્પને પણ શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

પ્રેઝન્ટર તરીકે આલિયા ભટ્ટ છવાઇ, નમસ્કાર દ્વારા અભિવાદનથી ફેન્સ હરખાયા

બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA) એવોર્ડ્સ 2026માં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાના અનોખા અંદાજથી ભારતનું નામ રોશન કર્યું છે. આલિયા ભટ્ટે BAFTAના સ્ટેજ પર પહોંચીને સૌપ્રથમ 'નમસ્કાર' કહીને સૌનું અભિવાદન કર્યું હતું, જેણે સોશિયલ મીડિયા પર ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની માતૃભાષા અને સંસ્કૃતિને આ રીતે રજૂ કરીને તેણે ફરી એકવાર સાબિત કર્યું કે તે ગ્લોબલ સ્ટાર હોવાની સાથે મૂળિયાં સાથે પણ જોડાયેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter