લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડને ભય છે કે મકાનમાલિકોને અપાતી લોન્સ નાણાકીય સ્થિરતા સામે જોખમ ઉભું કરે છે. મકાનમાલિકો સતત વધતી ખર્ચાળ પ્રોપર્ટીઝ ખરીદવા બાય-ટુ-લેટ મોર્ગેજીસથી મોટા પ્રમાણમાં દેવું કરતા જાય છે. માલિક-કબજેદાર લેવાતી લોન્સની માફક જ આવા મોર્ગેજીસ ડૂબવાનું જોખમ બમણું હોવાની ચેતવણી આપતા બેન્કે જણાવ્યું છે કે મકાનમાલિકો બેન્કો અને વ્યાપક નાણાકીય સ્થિરતા માટે ધમકીરુપ બની શકે છે. બાય-ટુ-લેટ માર્કેટની તેજી પર બ્રેક લગાવવા સરકાર પણ એપ્રિલ ૨૦૧૭થી મોર્ગેજ વ્યાજ પર ટેક્સમાં રાહત પર કાપ લાદવાની છે.
ઘરની આસમાને જતી કિંમતોના કારણે યુકેમાં પ્રથમ વખત ઘર ખરીદનારા માટે પ્રોપર્ટી હાંસલ કરવાની સીડી પર ચડવાનું મુશ્કેલ બની રહ્યું છે. બીજા તરફ, બાય-ટુ-લેટ મોર્ગેજ લેવાનું મકાનમાલિકો માટે સરળ છે અને આવું કરજ લેનારાની સરખામણીએ બેન્કોએ માલિક-કબજેદારની હોમ લોન્સ માટેના માપદંડો વધુ કડક બનાવ્યા છે. આના પરિણામે, રેન્ટલ સેક્ટરમાં ભારે તેજી પ્રવર્તી રહી છે.
બેન્કો અને બિલ્ડિંગ સોસાયટીઓને પણ ચિંતા છે કે વ્યાજદર વધશે ત્યારે મકાનમાલિકોને ચુકવણીમાં મુશ્કેલી સર્જાશે. આથી તેઓ પણ બાય-ટુ-લેટ મોર્ગેજીસ માટે વધુ કડક ધોરણો અપનાવવા આગળ વધી રહી છે. બાર્કલેઝ અને નેટવેસ્ટ દ્વારા બાય-ટુ-લેટ હોમલોન્સની લાયકાતના ધોરણો કડક બનાવાયા છે અને બીજા લેન્ડર્સ પણ આ માર્ગે આગળ વધી શકે છે. આનાથી, ઘણાં મધ્યમવર્ગીય પરિવારો માટે ‘બાય-ટુ-લેટ ડ્રીમ’નો અંત આવી શકે છે.


