લંડનઃ ભાડે આપવા માટે જ મકાન ખરીદતા મકાનમાલિકોને પ્રાપ્ત ઉદાર કરરાહતોમાં કાપ મૂકાશે તે સમાચારોની કળ વળી નથી ત્યાં તો બાય-ટુ-લેટની નીતિમાં આવી રહેલા ફેરફાર મકાનમાલિકો માટે બીજો ફટકો બની રહેશે. હાઉસિંગ બજાર પર નિયંત્રણ રાખવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડને વધુ સત્તા અપાશે, જેનાથી મકાનમાલિકોને મોર્ગેજ મેળવવાનું વધુ મુશ્કેલ બનશે. બેન્કે અગાઉ ચિંતા દર્શાવી છે કે ૨૦૦૮થી ૪૦ ટકાની વૃદ્ધિ પામેલું બાય-ટુ-લેટ બજાર વ્યાપક અર્થતંત્રને જોખમમાં મુકી રહ્યું છે.
ટ્રેઝરી સીલેક્ટ કમિટી સમક્ષ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને જણાવ્યું હતું કે બેન્કની ફાઈનાન્સિયલ પોલિસી કમિટીને વધુ નિયંત્રક સત્તા અપાશે. આની વિગતો જાહેર કરાઈ નથી, પરંતુ આ અંકુશો ગયા વર્ષે મોર્ગેજ માર્કેટ રીવ્યુ નીતિ હેઠળ રહેણાંકના મકાન માટેની લોન્સ અંગે અમલી બનાવાયેલાં નિયમો જેવાં હોઈ શકે છે. આ નિયમોમાં કઠોર પરવડક્ષમતા (એફોર્ડબિલિટી) અને આવકના મહત્તમ કેટલાં ગણાં કરજ લઈ શકાય તેના અંકુશોનો સમાવેશ કરાયો હતો.
મકાનમાલિકો કરવેરામાં ફેરફારો હજુ પચાવી શક્યાં નથી, જેનાથી કેટલાંકને ચોખ્ખી ખોટ ખાવી પડશે. એક રિપોર્ટ અનુસાર આની સીધી અસર ભાડૂતોને પણ થશે, કારણ કે ખોટ સરભર કરવા મકાનમાલિકો ભાડાં વધારી શકે છે. ધ ઇન્ટરમીડિઅરિ મોર્ગેજ લેન્ડર્સ એસોસિયેશનની દલીલ છે કે કરરાહતોમાં કાપથી ભાડે અપાતાં મકાનોની અછત સર્જાઈ શકે છે. મકાનમાલિકો કહે છે કે તેમના પર ચોતરફથી ભીંસ આવી છે કારણ કે રાઈટ ટુ રેન્ટ યોજના અન્વયે તેમણે ફેબ્રુઆરીથી ભાડૂતના ઈમિગ્રેશન દરજ્જાની ફરજિયાત ચકાસણી કરવાની થશે.


