લંડનઃ હેયસનો 40 વર્ષીય વિશાલ ગાંધી વિદ્યાર્થી હોવાનો ઢોંગ કરી 12 વર્ષ સુધી 15,000 પાઉન્ડનું કાઉન્સિલ ટેક્સ ડિસ્કાઉન્ટ લેતાં ઝડપાઇ ગયો હતો. આ માટે તેણે બનાવટી સ્ટુડન્ટ સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ હિલિંગડન કાઉન્સિલની કાઉન્ટર ફ્રોડ ટીમે તેની આ છેતરપિંડી પકડી પાડી હતી. કોર્ટે ગાંધીને 24 અઠવાડિયાની જેલની સજા ફટકારી છે, જેને 12 મહિના માટે સસ્પેન્ડ રાખવામાં આવી છે. આ ઉપરાંત તેને આલ્કોહોલ મોનિટરિંગ હેઠળ રાખવાનો, 140 કલાકનું વેતન વિનાનું સામાજિક કાર્ય કરવાનો, 154 પાઉન્ડ વિક્ટિમ સરચાર્જ અને કાઉન્સિલના 8970 પાઉન્ડના કોર્ટ ખર્ચની ચૂકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગાંધીએ મે 2013થી માર્ચ 2025 દરમિયાન લગભગ 12 વર્ષ સુધી પોતે અને તેના રૂમમેટ્સ વિદ્યાર્થીઓ હોવાની ખોટી માહિતી પૂરી પાડી હતી. ગાંધીએ પોતાના પર લાગેલા આરોપો કબૂલ કર્યા હતા અને તેણે બરોને ચૂકવવાની થતી બાકી રકમ પરત કરવાની શરૂઆત પણ કરી દીધી છે.

