લંડનઃ પૂર્વ બ્રિટિશ સંસ્થાન અને કેરેબિયન ટાપુ બાર્બાડોસે ફરી એક વખત બ્રિટિશ ક્વીનને રાષ્ટ્રના વડાના હોદ્દા પરથી દૂર કરી પ્રજાસત્તાક દેશ બનવાનો ઈરાદો જાહેર કર્યો છે. ૧૯૬૬માં આઝાદ થયેલા બાર્બાડોસે સ્પષ્ટ કર્યું છે કે તે આઝાદીની ૫૫મી વર્ષગાંઠ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં પ્રજાસત્તાક બનશે. જોકે, તેનો આ ત્રીજો પ્રયાસ સફળ થશે તો તે ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, ડોમિનિકા અને ગુઆનાની હરોળમાં આવી જશે. દરમિયાન, બકિંગહામ પેલેસના સૂત્રે જણાવ્યું હતું કે આ બાર્બાડોસની પ્રજા અને સરકારનો વિષય છે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના પ્રતિનિધિ અને બાર્બાડોસના ગવર્નર સાન્ડ્રા મેસોને કહ્યું હતું કે સંસ્થાનવાદી ભૂતકાળને સંપૂર્ણપણે છોડી દેવાનો સમય પાકી ગયો છે. વડા પ્રધાન મિઆ મોટલી વતી પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું કે,‘બાર્બાડોસવાસીઓને બાર્બાડોસના વતની જ દેશના વડા કરીકે જોઈએ છે. આપણે કોણ છીએ અને આપણે શું હાંસલ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ તે વિશ્વાસ દર્શાવતું આ આખરી નિવેદન છે. આથી, બાર્બાડોસ સંપૂર્ણ સાર્વભૌમત્વ તરફ આગળ વધશે અને આઝાદીની ૫૫મી વર્ષગાંઠ ઉજવણી પ્રજાસત્તાક દેશ તરીકે કરશે.’
બાર્બાડોસના બંધારણીય સમીક્ષા કમિશને ૧૯૯૮માં પ્રજાસત્તાક દરજ્જાની ભલામણ કર્યા પછી ક્વીનને દેશના વડા તરીકે દૂર કરવાની આ ત્રીજી હિલચાલ છે. ૨૦૦૫માં તત્કાલીન વડા પ્રધાન ઓવેન આર્થરે સ્થાનિક ચૂંટાયેલા પ્રમુખ સાથે ક્વીનને દૂર કરવાની દરખાસ્તો રજૂ કરી હતી પરંતુ, તે મુદ્દે કાર્યવાહી અધૂરી રહી હતી. આ જ વર્ષે બાર્બાડોસે ઘણી પૂર્વ બ્રિટિશ કોલોનીઓ માટે સર્વોચ્ચ અપીલ કોર્ટ બની રહેલી લંડનસ્થિત પ્રિવી કાઉન્સિલના સ્થાને સર્વોચ્ચ કેરેબિયન કોર્ટ ઓફ જસ્ટિસ બનાવી હતી. આ પછી, ૨૦૧૫માં તત્કાલીન વડા પ્રધાન ફ્રેઉન્ડેલ સ્ટાર્ટે પણ બ્રિટિશ મોનાર્કને હટાવી રાષ્ટ્રપ્રમુખ કે રાષ્ટ્રપતિના હોદ્દાની યોજના જાહેર કરી હતી.
મોટા ભાગના કેરેબિયન દેશોએ આઝાદી મેળવ્યા પછી ક્વીનને રાષ્ટ્રના વડા બનાવી બ્રિટિશ રાજાશાહી સાથે સત્તાવાર નાતો જાળવી રાખ્યો છે. જમૈકાએ પણ રિપબ્લિક બનવાની જાહેરાત કરેલી છે. વિવિધ પોલ્સ અનુસાર ૫૫ ટકા જમૈકાવાસીઓ રિપબ્લિક દેશ ઈચ્છે છે પરંતુ, આ મુદ્દે જનમત યેજવાનું ૨૦૧૬માં વચન આપ્યા પછી પણ શાસક જમૈકન લેબર પાર્ટીએ તેનો અમલ કર્યો નથી.