લંડનઃ એક ઐતિહાસિક પ્રયાસ કરતાં કિંગ ચાર્લ્સ બાલમોરલ કેસલ જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. બાલમોરલ કેસલની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે 1855માં બાલમોરલ કેસલ બનીને તૈયાર થયા બાદ પહેલીવાર જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. આ પહેલાં રાજવી પરિવાર દ્વારા જાહેર જનતાને ફક્ત કેસલના પરિસર અને બગીચાઓની મુલાકાત લેવાની જ પરવાનગી આપવામાં આવતી હતી. મુલાકાતીઓ કેસલના ફક્ત બોલ રૂમની જ મુલાકાત લઇ શક્તાં હતાં. કેસલની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે બાલમોરલ કેસલ એક વિશેષ સ્થળ છે. રાજવી પરિવારને આ સ્થળ ઘણું પસંદ છે.
આ પગલા અંતર્ગત મુલાકાતીઓ કેસલની પ્રાઇવેટ ટૂરનો લાભ લઇ શકશે. અનુભવી ગાઇડ તેમને કેસલના રૂમોની મુલાકાત કરાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તેમના છેલ્લા દિવસો આજ કેસલમાં વિતાવ્યાં હતાં. આ કેસલ ક્વીન વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. મુલાકાતીઓ રાજવી પરિવાર દ્વારા કેસલના રૂમોનો કેવી રીતે ઉપયોગ કરે છે તે પણ જોઇ શકશે. 1 જુલાઇથી શરૂ થનારી પ્રાઇવેટ ટૂરો 4 ઓગસ્ટ સુધી જારી રહેશે.
બકિંગહામ પેલેસની બાલ્કની પહેલીવાર મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકાશે
લંડનઃ બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી રાજવી પરિવારના સભ્યો આમ જનતાને શુભેચ્છા આપતાં હોય તેવા દ્રશ્ય દેશના જનમાનસમાં અંકિત થયેલાં છે ત્યારે પ્રથમવાર બકિંગહામ પેલેસની ઇસ્ટ વિંગને મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે જેથી તેઓ રાજવી પરિવારની જેમ આ બાલ્કનીમાંથી વિહંગ દ્રશ્યનો લુફ્ત ઉઠાવી શકશે. ગાઇડેડ ટૂર અંતર્ગત મુલાકાતીઓને સેન્ટર રૂમમાંથી બાલ્કની તરફ લઇ જવાશે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના અંતિમ દિવસોમાં બાલમોરલ કેસલના કેટલાક ઓરડા પણ મુલાકાતીઓ માટે ખુલ્લાં મૂકાયાં હતાં.


