લંડનઃ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ભીષણ રેલવે અકસ્માતથી યુકેના રાજા ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલા પણ ઘણા દુઃખી થયાં છે. કિંગ ચાર્લ્સ તૃતીયે ટ્રીપલ ટ્રેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના મુદ્દે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને શોક સંદેશ પાઠવ્યો છે.
શોક સંદેશમાં કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, બાલાસોરના ટ્રેન અકસ્માતના અહેવાલ જાણીને મને અને ક્વીન કેમિલાને ઘણો આઘાત લાગ્યો છે. આ કરૂણાંતિકામાં જીવ ગુમાવનારાના પરિવારજનો પ્રત્યે અમે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. તમે જાણો છો કે ભારત અને ભારતીયો અમારા હૃદયોમાં કેટલું વિશેષ સ્થાન ધરાવે છે. 1980માં મેં ઓડિશાની મુલાકાત લીધી તે સમયના સ્મરણો આજે પણ મારા મનમાં તાજા છે. આ કરૂણાંતિકામાં અસરગ્રસ્ત થયેલા તમામ લોકો સુધી તમે અમારી પ્રાર્થના અને સંવેદના પહોંચાડશો.
યુકેના વડાપ્રધાન રિશી સુનાકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ઓડિશાની કરૂણાંતિકાથી અસરગ્રસ્ત થયેલા તમામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મારી સંવેદનાઓ અને પ્રાર્થના છે. હું આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો અને મિત્રોને મારી દિલસોજી પાઠવું છે. ત્યાંના વહીવટી તંત્ર અને બચાવ તથા રાહત માટે અથાક પ્રયાસો કરનારાને હું મારું સમર્થન આપું છું.


