બાળકે આચરેલા અપરાધ માટે માતા-પિતાને જવાબદાર ઠેરવવાની કવાયત

બેનિફિટ્સ બંધ કરવા અથવા જેલની સજા ફટકારવાની જોગવાઇ લાગુ થઇ શકે છે

Tuesday 22nd September 2026 10:53 EDT
 
 

લંડનઃ સરકાર યૂથ જસ્ટિસ સિસ્ટમમાં મોટાપાયે સુધારા કરવા જઇ રહી છે. તે અંતર્ગત બાળકના ગુના માટે તેના માતાપિતાને પણ જવાબદાર ગણીને તેમના બેનિફિટ્સ બંધ કરવા અથવા જેલની સજા ફટકારવાની જોગવાઈઓ લાગુ થઇ શકે છે.

યૂથ જસ્ટિસ મિનિસ્ટર જેક રિચાર્ડ્સે જણાવાયું હતું કે, સમાજ સુરક્ષિત રહે તે માટે માતાપિતા પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવે તે અતિ મહત્વનું છે. આ નવી નીતિનો મુખ્ય હેતુ યોગ્ય પ્રમાણમાં તેમની જવાબદારી નક્કી કરવાનો છે.

સરકારે 'પેરેન્ટિંગ ઓર્ડર્સ'ના નિયમોને વધુ કડક બનાવવા માટેની યોજના તૈયાર કરી છે. આ પ્રસ્તાવિત ફેરફારો અંતર્ગત જેલવાસ અને ભથ્થાંમાં કાપ જેવા આકરાં પગલાં માત્ર અત્યંત ગંભીર કિસ્સાઓમાં જ લેવામાં આવશે, અને તેનો આખરી નિર્ણય ન્યાયાધીશોના વિવેકબુદ્ધિ પર આધારિત રહેશે. આ નીતિ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ સગીરોને સુધારવાના પ્રયાસોમાં તેમના માતાપિતાને વધુ સક્રિય અને જવાબદાર બનાવવાનો દાવો કરાયો છે.

વકીલો તથા ચાઇલ્ડ રાઇટ્સ સંગઠનો મુજબ માતાપિતાને જેલમાં મોકલવાથી બાળકના જીવનમાં સ્થિરતા જોખમાશે અને આ પગલું વિપરીત પરિણામો લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલના કાયદા મુજબ 16 વર્ષથી નાની વયના બાળકના ગુના પર અદાલતો 'પેરેન્ટિંગ ઓર્ડર' જારી કરી શકે છે, જેમાં માતાપિતાએ કાઉન્સેલિંગ સેશન્સમાં હાજરી આપવી ફરજિયાત હોય છે. સરકારના આ નવા પ્રસ્તાવનો હેતુ આ વ્યવસ્થાને વધુ પ્રભાવશાળી અને કડક બનાવવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter