લંડનઃ યુકેમાં કોરોના વાઈરસ અથવા કોવિડ-૧૯ના કારણે ૨૮,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે ત્યારે રોયલ કોલેજ ઓફ પીડિઆટ્રિશિયન્સ એન્ડ ચાઈલ્ડ હેલ્થ દ્વારા કેટલી નાની વયના બાળકો ચેપગ્રસ્ત થાય છે તે સંબંધે પુરાવાની સમીક્ષા કરી છે. અભ્યાસમાં જણાયું છે કે ૧૦ વર્ષથી નીચેના બાળક દ્વારા પુખ્ત વ્યક્તિને કોરોના વાઈરસનો ચેપ લાગ્યાનો એક પણ કેસ જોવા મળ્યો નથી.
રોયલ કોલેજ ઓફ પીડિઆટ્રિશિયન્સ એન્ડ ચાઈલ્ડ હેલ્થ (RCPCH) દ્વારા જણાવાયું છે કે નાના બાળકો વીરસના ચેપના પ્રસારમાં નોંધપાત્ર ભૂમિકા ભજવતાં નથી અને વયસ્કોની સરખામણીએ તેમના ચેપગ્રસ્ત થવાની શક્યતા પણ ઘણી ઓછી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં જાહેર આરોગ્ય સત્તાવાળાએ જણાવ્યું છે કે ૧૦ વર્ષથી નીચેના બાળકો તેમના ગ્રાન્ડપેરન્ટ્સને વળગી વહાલ કરી શકે છે કારણકે તેમના દ્વારા કોઈ જોખમ હોતું નથી. ફ્રેન્ચ આલ્પ્સમાં નવ વર્ષના બ્રિટિશ બાળકને કોરોનાનો ચેપ લાગ્યો હતો પરંતુ, ત્રણ સ્કૂલના ૧૭૦થી વધુ લોકો સાથે સંપર્કમાં આવવાં છતાં, તેના મારફત ચેપ ફેલાયો ન હતો. સંશોધનના ભાગરુપે આ કેસનો અભ્યાસ કરાયો હતો.
પીડિઆટ્રિક ઈન્ફેક્શિયસ ડિસીસીઝમાં રિસર્ચ ફેલો ડો. એલાસ્ડેર મુનરોએ જણાવ્યું હતું કે, ‘કોવિડ-૧૯ બાળકોને અસર કરતો હોવાનું ઓછું અને ઓછી તીવ્રતા સાથે જણાય છે.ટ્રાન્સમિશનમાં બાળકોની ભૂમિકા સ્પષ્ટ નથી પરંતુ, તે નોંધપાત્ર પણ નથી.’
RCPCHના પ્રેસિડેન્ટ પ્રોફેસર રસેલ વાઈનરે જણાવ્યું છે કે,‘ સમગ્ર વિશ્વમાં બાળકો વાઈરસના પ્રસાર કે સંક્રમણમાં સંકળાયા હોવાનું દેખાતું નથી પરંતુ,અમારી પાસે પૂરતાં પૂરાવા પણ નથી.’ તેમણે ઉમેર્યું હતું કે બાળકો તેમના ગ્રાન્ડપેરન્ટ્સને વળગી વહાલ કરી શકે તે કહેવું ઘણું વહેલું છે કારણકે ૭૦થી વધુ વયના લોકો ચેપ બાબતે સૌથી અસલામત હોય છે.