એક નવા અભ્યાસના તારણો જણાવે છે કે માતાપિતાએ ડાઈવોર્સ લીધો હોય તેવા બાળકોમાંથી બે તૃતીયાંશ બાળકોના પરિણામો પર ખરાબ અસર જોવા મળી હતી, જ્યારે આઠમાંથી એક બાળક ડ્રગ્સ અથવા શરાબ તરફ વળી ગયું હતું. પેરન્ટ્સને અલગ થતાં નિહાળી દુઃખી થતાં દર ત્રણ બાળકમાંથી આશરે એક બાળકને ખાવાની તકલીફો ઉભી થાય છે. યુકેમાં દર વર્ષે ૧૬ વર્ષથી નીચેના આશરે ૧૦૦,૦૦૦ બાળકો ડાઇવોર્સના કારણે માતા કે પિતાનું છત્ર ગુમાવે છે.
બાળકોને નિયમ તોડતા શીખવો!
લંડનઃ રુટલેન્ડની પ્રતિષ્ઠિત ખાનગી કોએજ્યુકેશન બોર્ડિંગ સ્કૂલ ઓકહામ સ્કૂલના હેડ માસ્ટર નાઈજેલ લેશબ્રૂકે બાળકો સ્વતંત્રપણે વિચાર કરતા શીખે તે માટે તેમને નિયમોના ભંગ કેવી રીતે કરાય તે શીખવવા પણ શિક્ષકોને સલાહ આપી છે. લેશબ્રૂકે કહ્યું હતું કે નિયમોને પડકારવા એ પ્રગતિ અથવા પરિવર્તનની પ્રેરણા બની શકે છે તે ઈતિહાસે આપણને વારંવાર શીખવ્યું છે. બાળકોને બંડ કે બળવાની મહાન ઘટનાઓનો ઈતિહાસ શીખવવો જ પૂરતો નથી, તેમને એ પણ શીખવવું જોઇએ કે કોઇ વાત સામે બંડ કઇ રીતે પોકારી શકાય.
ઓકહામ સ્કૂલમાં ‘રુલ્સ એન્ડ રીબેલિયન વીક’ના સમાપન પ્રસંગે લેશબ્રૂકે કહ્યું હતું કે, ‘ અમે ઓકહામ ખાતે ઉછરતા જિજ્ઞાસુ બાળકોને માત્ર માહિતી એકત્ર કરવાનું જ શીખવતા નથી, પરંતુ હાથ ઊંચો કરીને આ માહિતી ક્યાંથી આવી તેવા પ્રશ્ન ઉઠાવવાનું પણ શીખવીને તેમનામાં આત્મવિશ્વાસ જગાવીએ છીએ.’ શાળાના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નિયમો તોડવાનું પ્રોત્સાહન આપતા લેક્ચર્સ સાંભળ્યા હતા.