લંડનઃ બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગથી દૂર રાખવા અને તેમને નુકસાનકારક સામગ્રીથી બચાવવાની યોજના અંતર્ગત સોશિયલ મીડિયા કંપનીઓએ હવે વપરાશકર્તાઓની ઉંમર ચકાસવા માટે પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા કડક પુરાવા માંગવા પડશે. બાળકો સામેના જોખમોને ધ્યાનમાં રાખીને યુકે સરકાર આગામી અઠવાડિયામાં 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની યોજનાની જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત યોજના મુજબ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે યુઝર્સે તેમના પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ક્રેડિટ ચેક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
સરકારે આ પ્રતિબંધના મોડેલમાં પણ ફેરફાર કર્યો છે. પ્રારંભિક યોજનામાં બાળકો માટે સમગ્ર પ્લેટફોર્મ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ હતો. પરંતુ નવી નીતિ મુજબ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે માત્ર એવા જ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ રહેશે જે ઈન્ફિનાઈટ સ્ક્રોલિંગ, ઓટોપ્લે અથવા પુશ નોટિફિકેશન ધરાવે છે. આ ઉપરાંત, અજાણ્યા વ્યક્તિઓ સાથે ચેટ કરવાની સગવડ આપતા પ્લેટફોર્મ્સ પણ આ દાયરામાં આવશે. આ નિયમો ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિકટોક, સ્નેપચેટ, ફેસબુક અને 'X' જેવી મુખ્ય એપ પર લાગુ થવાની શક્યતા છે.
નવી યોજના હેઠળ 16 વર્ષથી નાની વયના બાળકો મોટાભાગના પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધિત રહેશે. 16 અને 17 વર્ષના કિશોરો માટે અતિશય ઉપયોગ પ્રોત્સાહિત કરતી સુવિધાઓ બંધ કરવામાં આવશે અને મધ્યરાત્રિથી સવારે 6 વાગ્યા સુધી સોશિયલ મીડિયા ઉપયોગ પર કરફ્યુ રહેશે.
શાળામાં સ્માર્ટફોનનો વપરાશ મર્યાદિત કરવાથી GCSEના પરિણામોમાં સુધારો
શાળાઓમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ અથવા મર્યાદા મૂકવાથી વિદ્યાર્થીઓના GCSE પરીક્ષાના પરિણામોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે તેમ તાજેતરના એક સંશોધન/અભ્યાસમાં સામે આવ્યું છે. શાળા પરિસરમાં મોબાઈલ ફોન પર નિયંત્રણ લાવવાના પગલાંથી વર્ગખંડમાં વિક્ષેપ ઘટે છે, વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત થાય છે અને એકંદરે શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો થાય છે.


