લંડનઃ પોતાના બાળકો અભ્યાસમાં પુરતું ધ્યાન આપે તે માટે તેમના આઇપેડ લઇ લેનાર બે સંતાનની માતાની ચોરીની શંકાના આધારે ધરપકડ કરાઇ હતી. 50 વર્ષીય વેનેસા બ્રાઉને જણાવ્યું હતું કે, મારી ધરપકડથી હું ઘણી ભયભીત થઇ ગઇ હતી. મને આઠ કલાક સુધી પોલીસ સેલમાં ગોંધી રખાઇ હતી અને મારી તલાશી લેવામાં આવી હતી. મારી બંને દીકરીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે તે માટે મેં તેમના આઇપેડ જપ્ત કરી લીધાં હતાં.
વેનેસાએ આરોપ મૂક્યો હતો કે પોલીસ દ્વારા મારી સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર કરી ધરપકડ કરાઇ હતી જેના કારણે હું લગભગ બેહોશ બની ગઇ હતી અને પેરામેડિક્સને બોલાવવાની ફરજ પડી હતી. જોકે પોલીસે બચાવમાં જણાવ્યું હતું કે અમે તો આઇપેડની ચોરીની ફરિયાદની જ તપાસ કરી રહ્યાં હતાં અને અમને વેનેસાની સુરક્ષાની પણ ચિંતા હતી. બીજા દિવસે બપોર બાદ વેનેસા સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો.

