બાળકો માટે ઓનલાઇન વર્લ્ડ સુરક્ષિત બનાવવાની દિશામાં સ્ટાર્મર સરકારની પહેલ

કાયદામાં રહેલા છીંડા દૂર કરી ગેરકાયદેસર એઆઇ કન્ટેન્ટ સામે આકરું વલણ અપનાવાશેઃ વડાપ્રધાન

Tuesday 17th February 2026 10:56 EST
 
 

લંડનઃ બાળકો માટે ઓનલાઇન વર્લ્ડ સુરક્ષિત બનાવવા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે તાત્કાલિક પગલાંની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સરકાર વાલીઓ અને કેરર્સને સ્પષ્ટતા અને સહાય ઉપલબ્ધ કરાવશે. વડાપ્રધાને વાલીઓ અને યુવાઓ સાથેની વિચારગોષ્ઠિમાં જણાવ્યું હતું કે, સરકાર બાળકોને ઇન્ટરનેટના ઉપયોગ દરમિયાન સુરક્ષિત રાખવા ઝડપથી પગલાં લેશે.

સરકારે એઆઇ દ્વારા તૈયાર થતા ગેરકાયદેસર કન્ટેન્ટ સામે કડક વલણ અપનાવવાની પણ જાહેરાત કરી હતી. સરકાર કાયદામાં રહેલા છીંડા દૂર કરીને તમામ એઆઇ ચેટબોટને ઓનલાઇન સેફ્ટી એક્ટમાં ગેરકાયદેસર કન્ટેન્ટ સામેની તેમની જવાબદારીઓનું કડક પાલન કરવાની ફરજ પાડશે અને કાયદાના ભંગ માટે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરશે.

ઇન્ટરનેટના ઉપયોગ દરમિયાન બાળકો પર ઘણા જોખમ રહેલાં છે તેથી સરકાર બાળકો દ્વારા એઆઇ ચેટબોટના ઉપયોગ પર પણ નિયંત્રણ લાદવા ઇચ્છે છે.

વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે બે સગીરના પિતા હોવાના નાતે મને વાલીઓ સામે રહેલા પડકારો, જોખમો અને ચિંતાઓની જાણકારી છે. વિશ્વમાં ટેકનોલોજી ઝડપથી બદલાઇ રહી છે ત્યારે કાયદામાં પણ ઝડપથી સુધારા થવા જોઇએ. ઓનલાઇન સેફ્ટીની વાત આવશે ત્યારે બ્રિટન લીડરની ભુમિકામાં રહેશે. અમે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કોઇ પ્લેટફોર્મને ફ્રી પાસ અપાશે નહીં. અમે કાયદામાં રહેલા છીંડા દૂર કરી રહ્યાં છીએ જેથી વધુ પગલાં માટે જમીન તૈયાર કરી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter