લંડનઃ લેબર સરકારના સ્મોલ બોટ કાયદા અંતર્ગત માનવ અધિકાર કાયદાઓના કારણે નાની હોડીઓમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને બાળકો સાથે આવતા માતાપિતાને દંડિત નહીં કરાય કે તેમને ખટલાનો સામનો કરવો પડશે નહીં.
લેબર સરકાર દ્વારા રજૂ કરાઇ રહેલા બોર્ડર સિક્યુરિટી, અસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલમાં દરિયો પાર કરીને યુકે પહોંચવામાં અન્યોની જિંદગી જોખમમાં મૂકવાને અપરાધ ગણાશે. ચેનલ પાર કરતી વખતે ફ્રેન્ચ પેટ્રોલ દ્વારા કરાતા બચાવ કાર્યમાં સહકાર આપવાનો ઇનકાર કરનારા માઇગ્રન્ટ્સને ખટલાનો સામનો કરવો પડશે. જોકે આ જોગવાઇ બાળકો સાથે આવતા માઇગ્રન્ટ માતાપિતાને લાગુ નહીં પડે. યુરોપિયન માનવ અધિકાર કાયદા અનુસાર પારિવારિક જિંદગીને માનવ અધિકાર ગણાવવામાં આવી છે. માતાપિતા સામે ખટલો ચલાવવાથી તે પરિવાર ભંગિત થઇ શકે છે.
એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યારે માઇગ્રન્ટ જાણે છે કે બાળકની સાથે ચેનલ પાર કરવાથી તેની સામે કોઇ કાયદાકીય કાર્યવાહી કરાશે નહીં ત્યારે આ કાયદાની અસર બુઠ્ઠી બની રહેશે. બોર્ડર ફોર્સના જણાવ્યા અનુસાર મહિલાઓ અને બાળકોને લઇને આવતી બોટની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.