લંડનઃ બ્રિટિશ સંસદના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સે ૧૬ વર્ષથી ઓછી વયના કિશોરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના સુધારાની તરફેણમાં ત્રીજીવાર મતદાન કર્યું છે. ચિલ્ડ્રન વેલબીઇંગ એન્ડ સ્કૂલ્સ બિલમાં રજૂ કરવામાં આવેલા આ સુધારા મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ૧૬ વર્ષથી નાની વયના બાળકોને તેમની સેવાઓનો ઉપયોગ કરતા રોકવા માટે કડક ટેકનોલોજી અમલમાં મૂકવી પડશે. લોર્ડ્સમાં આ પ્રસ્તાવ ૨૬૧ વિરુદ્ધ ૧૫૦ મતોથી પસાર થયો હતો. પ્રસ્તાવ રજૂ કરનાર લોર્ડ નાશે જણાવ્યું હતું કે, આપણે એક સામાજિક આપત્તિનો સામનો કરી રહ્યા છીએ જ્યાં બાળકો સોશિયલ મીડિયાના વ્યસની બની ગયા છે. જોકે, કેટલાક સભ્યોએ એવી દલીલ પણ કરી હતી કે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી બાળકો વધુ જોખમી અને અનિયંત્રિત ઓનલાઈન પ્લેટફોર્મ તરફ વળી શકે છે.

