લંડનઃ બાળક અને બાળપણ રહસ્યમય બાબતો છે. કુતૂહલપ્રિય બાળકના દિલમાં ચાલતી વાતો કોઈ જાણી શકતું નથી. જોકે, બાળકો પોતાની દિલની વાતો રોબોટ્સને કહેવામાં કોઈ છોછ અનુભવતા નથી તેમ એક સંશોધનમાં બહાર આવ્યું છે. બાળકોના કદના હ્યુમનોઈડ રોબોટ્સ બાળકોના માનસિક આરોગ્યનું અસરકારક મૂલ્યાંકન કરી શકતા હોય છે જે વયસ્ક લોકો કરી શકતા નથી.
ઈટાલીના નેપલ્સમાં IEEE ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રોબોટ એન્ડ હ્યુમન ઈન્ટરેક્ટિવ કોમ્યુનિકેશન સમક્ષ પાઈલોટ સ્ટડીના તારણો રજૂ કરાયા હતા. આ સંશોધનમાં 8-13 વયજૂથના 28 બાળકોનો અભ્યાસ કરાયો હતો જેનો હેતુ માનસિક આરોગ્ય ચકાસણીમાં રોબોટ્સના ઉપયોગનું મૂલ્યાંકન કરવાનો હતો. રોબોટ્સ દ્વારા બાળકોને ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા જ્યારે સંશોધકો અને પેરન્ટ્સ તેમને જોઈ શકતા હતા. કોઈ વયસ્ક વ્યક્તિ બની ન શકે તે રીતે રોબોટ્સ બાળકોના ‘મિત્ર અથવા વિશ્વાસુ’ બની ગયા હતા. ઘણા કિસ્સામાં સંશોધકોએ કલ્પના પણ કરી ન હોય અને ઓનલાઈન કે આમનેસામને મૂલ્યાંકનમાં બહાર આવી ન હોય તેવી માહિતી પણ બાળકોએ રોબોટ્સને આપી હતી.
રોબોટ્સ ઘણી બાબતોમાં માનવીનું સ્થાન લઈ શકે છે પરંતુ, સાઈકિઆટ્રિસ્ટનું સ્થાન નહિ લઈ શકે તેમ કહેવાય છે. જોકે, આ ખોટું પડી શકે છે. રોબોટ્સ કરતાં માનવીના ઘણા એડવાન્ટેજ રહે છે પરંતુ, માનવીની અનેક મર્યાદા પણ છે. રોબોટ્સ થાકતા નથી. મહત્ત્વની બાબત એ છે કે બાળકોને રોબોટ્સ માનવી અથવા વયસ્ક, શિક્ષક, સાઈકિઆટ્રિસ્ટ કે કોઈ પણ સત્તાધારીની માફક જોખમી કે ધમકીભર્યા લાગતા નથી. બાળકો રોબોટ્સની સાથે વડીલ કે મિત્રની માફક દિલ ખોલીને વાત કરી શકે છે.


